અહી રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટમાં અફઘાનિસ્તાને બેટિંગ અને બોલિંગમાં જોરદાર પ્રદર્શન કરીને બાંગ્લાદેશ પર સકંજો કસ્યો છે. અફઘાનિસ્તાનની ટીમ પોતાના પહેલા દાવમાં રહમત શાહની સદી, અસગર અફઘાનના 92 અને કેપ્ટન રાશિદ ખાનના 51 રનની મદદથી 342 રને ઓલઆઉટ થયા પછી રાશિદ ખાન સહિતાના બોલરોએ કરેલા જોરદાર બોલિંગ પ્રદર્શનથી બાંગ્લાદેશની ટીમ પોતાના પહેલા દાવમાં 194 રનમાં 8 વિકેટ ગુમાવીને લથડી પડી છે. યજમાન ટીમ હજુ 148 રન પાછળ છે અને બીજા દિવસે સ્ટમ્પ સમયે મોસાદ્દેક હુસેન 44 અને તૈઝુલ ઇસ્લામ 14 રન બનાવીને ક્રિઝ પર હતા.
આગલા દિવસના 5 વિકેટે 271 રનના સ્કોર પરથી અફઘાનિસ્તાને આગળ રમવાનું શરુ કર્યા પછી અસગર અફઘાન પોતાના આગલા સ્કોરમાં માત્ર 4 રન ઉમેરીને 92 રને આઉટ થયો હતો અને તે પછી અફસર ઝાઝઇ પણ 44 રને આઉટ થયો હતો. રાશિદ ખાને 51 રનની ઇનિંગ રમતા તેઓ 342ના સ્કોર સુધી પહોંચ્યા હતા. બાંગ્લાદેશની શરૂઆત સાવ ખરાબ રહી હતી અને શૂન્ય રને જ તેમણે પહેલી વિકેટ ગુમાવી હતી. તે પછી 38 રને બીજી વિકેટ પડી અને તેમની ટીમ લથડી પડી હતી અને બોર્ડ પર માત્ર 88 રન હતા ત્યારે 5 વિકેટ ગુમાવી દીધી છે. મિડલ ઓર્ડરમાં મોમિનુલ હકે 52 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન શાકિબ પણ માત્ર 11 રને આઉટ થયો હતો. રાશિદ ખાને સર્વાધિક 4 વિકેટ ઉપાડી હતી.