ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્રિકેટની સૌથી જૂની પ્રતિસ્પર્ધા એવી એશિઝની ટેસ્ટ જોવાની લાલસા મોટેરાઓમાં હોય તો તેમાં કોઇ નવાઇ નથી પણ 8 વર્ષનો એક છોકરો એશિઝ ટેસ્ટ જોવા માટેનું સપનું સેવીને એ સપનુ ચાર વર્ષ સુધી કચરો વિણીને પછી પૈસા ભેગા કરીને પુર્ણ કરે તો તે બહું કહેવાય. હાલ 12 વર્ષનો મેક્સ હાલ માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ જોવા માટે પહોંચ્યો છે.
મેક્સે ક્રિકેટ.કોમ.એયૂને જણાવ્યું હતું કે હું સ્ટીવ વો, જસ્ટિન લેન્ગર અને નાથન લિયોન સાથે બેઠો. લેન્ગરે મને પ્લાન બુક બતાવી, તેમની નોટ્સ જોવી મને ગમી, સ્ટીવ વો સાથે વાત કરવી પણ ઘણો સારો અનુભવ રહ્યો. વધુમાં તેણે કહ્યું કે સ્ટીવ સ્મિથ અને પેટ કમિન્સ મારા ફેવરિટ છે. મેં તેમની સાથે તેમની તૈયારીઓ અને રમત બાબતે વાત કરી. આ બધામાં મને ઘણી મજા પડી.
2015માં જ્યારે ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે એશિઝ સિરીઝ જીત્યું ત્યારે તેણે યુકે જઇને એશિઝ સિરીઝ જોવાનો નિર્ણય કર્યો. તેના પિતા ડેમિયને તેને કહ્યું કે જો તું 1500 ઓસ્ટ્રેલિયન ડોલર ભેગા કરી લેશે તો યુકે જઇ શકશે. તેણે પોતાની માતા સાથે બેસીને યોજના બનાવી અને વીકેન્ડમાં પાડોશીઓનો કચરો માત્ર 1 ડોલરમાં એકત્ર કરી લઇ જવાનું નક્કી કર્યું, તેણે પાડોશીઓને પત્ર લખ્યો અને વેસ્ટ મેનેજમેન્ટ સર્વિસ આપવા જણાવ્યું અને તેને ઘણાં ગ્રાહકો મળ્યા. ચાર વર્ષમાં તે માત્ર જ્યારે બિમાર પડ્યો ત્યારે જ તે આ કામ માટે નથી ગયો અને તેણે એ રકમ એકત્ર કરી લીધી.