એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ મુકેલા 383 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમનો 197 રનમાં વિંટો વળી જતાં ઓસ્ટ્રેલિયાએ 185 રને જીત મેળવી હતી. ઇંગ્લેન્ડના જોસ બટલર, ક્રિસ ઓવર્ટન અને જેક લીચના મેચનો ડ્રોમાં ખેંચવાના લાખ પ્રયાસ છતાં તેઓ હાર ટાળી શક્યા નહોતા. આ વિજયને કારણે ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 2-1ની સરસાઇ પર આવી ગયું છે અને હવે એક જ ટેસ્ટ બાકી છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડની ધરતી પર 18 વર્ષમાં પહેલીવાર એશિઝ ટ્રોફી જાળવી રાખી છે.
શનિવારે બે વિકેટ ગુમાવી દેનારા ઇંગ્લેન્ડે અંતિમ દિવસે પહેલા સેશનમાં જ 87 રન બોર્ડ પર હતાં ત્યાં સુધીમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્રીજી ટેસ્ટમાં તેમને વિજેતા બનાવનાર બેન સ્ટોક્સ માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. તે પછી અર્ધસદી ફટકારનાર જો ડેનલી આઉટ થયો ત્યારે સ્કોર 93 રન હતો. બેયરસ્ટો અને બટલરે 45 રનની ભાગીદારી કરીને સ્કોર 138 પર પહોંચાડ્યો તે સમયે બેયરસ્ટો 25 રન કરીને આઉટ થયો હતો. તે પછી બટલરે 111 અને ઓવર્ટને 105 બોલ રમ્યા જ્યારે લીચે 51 બોલ રમીને ટેસ્ટને ડ્રોમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો પણ તેઓ તેમાં ફાવ્યા નહોતા અને અંતે 197 રનના સ્કોરે તેઓ ઓલઆઉટ થયા હતા. પેટ કમિન્સે 4 જ્યારે જોશ હેઝલવુડ અને નાથન લિયોને 2-2 અને મિચેલ સ્ટાર્ક તેમજ લેબૂશેને 1-1 વિકેટ ઉપાડી હતી.