પર્થ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે પ્રથમ દાવમાં 487 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર આમિર જમાલે પાકિસ્તાન માટે ડેબ્યૂ ટેસ્ટ મેચ રમીને છ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. જમાલે ડેબ્યૂ ટેસ્ટ મેચમાં પાકિસ્તાન માટે છઠ્ઠું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું, જ્યારે ઝડપી બોલરોની વાત કરીએ તો તે ત્રીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. જમાલે ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, એલેક્સ કેરી, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને નાથન લિયોનની વિકેટ લીધી હતી. પર્થ ટેસ્ટ મેચમાં ડેવિડ વોર્નરે 164 રન બનાવ્યા હતા જ્યારે મિચેલ માર્શ 90 રન બનાવીને આઉટ થયો હતો. જમાલ ઉપરાંત ખુર્રમ શહઝાદે પણ આ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને બે વિકેટ લીધી હતી.
જમાલ ડેબ્યૂ ટેસ્ટમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનારો 14મો પાકિસ્તાની બોલર છે, જ્યારે જમાલ પાકિસ્તાનની બહાર ડેબ્યૂ ટેસ્ટમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનારો માત્ર પાંચમો પાકિસ્તાની બોલર બન્યો છે. જમાલ પાકિસ્તાન તરફથી ઓસ્ટ્રેલિયામાં પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનાર માત્ર બીજો બોલર છે. પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી પર્થ ટેસ્ટમાં બિનઅસરકારક જોવા મળ્યો હતો. શાહિને 27 ઓવરમાં 96 રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી. ફહીમ અશરફને પણ આ જ સફળતા મળી હતી.
પાકિસ્તાન વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં એકપણ ટેસ્ટ મેચ જીત્યું નથી. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાએ 2017થી ભારત સિવાય અન્ય કોઈ ટીમ સામે હોમ ગ્રાઉન્ડ પર એક પણ ટેસ્ટ મેચ હારી નથી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ તેની પ્રથમ ટેસ્ટ મેચ શાન મસૂદની કેપ્ટન્સીમાં રમી રહી છે. બાબર આઝમે વર્લ્ડ કપ 2023 બાદ તમામ ફોર્મેટમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. આ સીરીઝ પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા બંને માટે ઘણી મહત્વની છે. આ ટેસ્ટ શ્રેણી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25નો ભાગ છે.