વનડે સીરિઝમાં કીવિઓને 2-1થી હરાવ્યા પછી ટીમ ઈંડિયા આજે સાંજે દિલ્લીમાં રમાનાર 3 મેચોની ટી-20 સીરિઝમાં જીતના ઈરાદાથી ઉતરશે. જ્યાં ભારતીય ટીમના દિગ્ગજ ઝડપી બોલર આશીષ નેહરાને શાનદાર વિદાય આપવામાં આવશે.
ટીમ ઈંડિયાના દિગ્ગજ ઝડપી બોલર આશીષ નેહરા દિલ્લીના ફિરોજશાહ કોટલા સ્ટેડિયમમાં રમાનાર પહેલા ટી-20 મેચમાં ઈંટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દેશે. નેહરા 19 વર્ષ જૂના પોતાના ક્રિકેટ સફરને ઘર આંગણાના મેદાન પર પરિવાર સાથે ખતમ કરશે. 38 વર્ષીય આ ઝડપી બોલરે પોતાની પહેલી ઈંટરનેશનલ મેચ વર્ષ 1999માં મોહમ્મદ અજહરૂદ્દીનની કેપ્ટનશિપમાં રમી હતી.
આશીષ નેહરા મોહમ્મદ અજહરૂદ્દીનથી લઈને ટીમ ઈંડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં રમી ચૂક્યો છે. તેના સિવાય નહેરા ધોની, દ્રવિડ, ગંભીર, ગાંગુલી અને સેહવાગની કેપ્ટનશિપમાં પણ ટીમ ઈંડિયા તરફથી રમી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે આશીષ નેહરા ટીમ ઈંડિયામાં હાલના તમામ ખેલાડીઓમાં સૌથી મોટો છે અને હાલના ભારતીય કેપ્ટન વિરાટ કોહલીથી તે 10 વર્ષ મોટો છે.