વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ વેસ્ટઇન્ડિઝ સામેની બે ટેસ્ટની સિરીઝની પહેલી મેચ અહીં એન્ટીગામાં સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં શરૂ થઇ છે. વરસાદને કારણે મોડી શરૂ થયેલી મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 25 રન બોર્ડ પર હતા ત્યારે ઓપનર મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા અને કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે કેએલ રાહુલ અને અજિંકેય રહાણેએ તે પછી બાજી સુધારીને 68 રનની ભાગીદારી કરી થોડી સ્થિરતા આપી હતી, રાહુલ 44 રન કરીને આઉટ થયો હતો. ટી બ્રેક સુધીમાં 47.2 ઓવરમાં ભારતીય ટીમે 4 વિકેટે 134 રન બનાવ્યા છે અને રહાણે 50 તેમજ વિહારી 18 રને રમતમાં છે.
વેસ્ટઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતીને ભારતીય ટીમને બેટિંગ કરવાનું નિમંત્રણ આપ્યું હતું. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે રમેલી છેલ્લી ટેસ્ટની ઇલેવનને જ મેદાનમાં ઉતારી હતી અને રવિચંદ્રન અશ્વિન, િરદ્ધિમાન સાહા, રોહિત શર્મા, કુલદીપ યાદવ તેમજ ઉમેશ યાદવને બહાર બેસાડવામાં આવ્યા હતા.
પ્રથમ દાવ લેવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ પાંચમી ઓવરમાં જ બોર્ડ પર માત્ર પાંચ રન હતા ત્યારે મયંક અગ્રવાલની વિકેટ ગુમાવી હતી. તે પછી બેટિંગમાં આવેલો પુજારા સેટ થાય તે પહેલા જ ચાર બોલ રમીને માત્ર બે રન કરી આઉટ થયો હતો અને એક ઓવરમાં જ ભારતીય ટીમે બે વિકેટ ગુમાવી હતી. તે પછી કોહલીએ હંમેશ મુજબ કેટલાક દર્શનીય શોટ ફટકાર્યા હતા, પણ તે માત્ર 9 રન કરીને એક ઉછળતા બોલને પોઇન્ટ પરથી મારવાના પ્રયાસમા ગલીમાં ઉભેલા ડેબ્યુટન્ટ બ્રુક્સ દ્વારા એક જોરદાર કેચ પકડી લેવાતા આઉટ થયો હતો અને 25 રનના સ્કોર પર ભારતે ત્રીજી વિકેટ ગુમાવી હતી. અહીંથી રાહુલ અને રહાણેએ મળીને બાજી સંભાળી હતી.