મુંબઇ : મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શુક્રવાર સવારે ટીમ ઈન્ડિયાના મહત્વપૂર્ણ મિડલ ઓર્ડર બેટ્સમેન અને ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેના પિતાની કાર સાથે એક મહિલાનો એક્સિડેન્ટ થઈ ગયો. ઘાયલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં તેનું મોત નીપજ્યું. કોલ્હાપુર પોલીસે રહાણેના પિતાને અરેસ્ટ કરી લીધા છે. જે સમયે આ ઘટના બની ત્યારે રહાણેનો પૂરો પરિવાર કારમાં હતો. તેઓ કારથી મુંબઈ જઈ રહ્યાં હતા.

નેશનલ હાઈવે 4 પર સર્જાયો અકસ્માત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજિંક્ય રહાણેના પિતા મધૂકર બાબૂરાવ રહાણે ચાર વાગ્યે નેશનલ હાઈવે 4 પર પોતાની હ્યુન્ડાઈ i20માં મુંબઈ જઈ રહ્યાં હતા. તે વખતે તેમની કારની સ્પીડ ખૂબ વધારે હોવાનું કહેવાઈ રહ્યું છે. કંગલ વિસ્તારમાં તેમણે ગાડી પરથી કાબુ ગુમાવ્યો અને આશા કામ્બલે નામની મહિલાને ટક્કર મારી દીધી. આશા આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ જ્યાર બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, અત્યારે રહાણે પરિવારથી દૂર ટીમ ઈન્ડિયા સાથે શ્રીલંકા સામે વન-ડે સીરીઝ રમી રહ્યો છે. આ ઉપરાંત બે સપ્તાહ બાદ તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પણ રવાના થવાનું છે. હવે તેનો પરિવાર મુસીબતમાં હોઈ તે શું પગલું ભરે છે તે જોવાનું રહ્યું.