નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોનાનો કહેર છે ત્યારે બીજી તરફ આઈપીએલની 14મી સિઝન રમાઈ રહી છે. ત્યારે કેટલાક ખેલાડીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આવી સ્થિતિમાં ઑસ્ટ્રેલિયન ખેલાડી એન્ડ્રૂ ટાયે ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન છોડવાની જાહેરાત બાદ તેના સાથી ખેલાડી એડમ ઝમ્પા અને કેન રિચર્ડ્સને પણ ટૂર્નામેન્ટ છોડી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ ત્રણેય ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. એડમ ઝમ્પા અને કેન રિચર્ડ્સન બંને આઈપીએલમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની RBCનો હિસ્સો હતા.
ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. આ દરમિયાન આઈપીએલ 2021 શરૂ થતા ખેલાડીઓ માટે રાહતના સમાચાર આવ્યા હતા. જોકે, ધીમે ધીમે એક પછી એક ખેલાડી આઈપીએલ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઈ રહ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સાથેની મેચ બાદ દિલ્હી કેપિટલ્સના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. હવે આરસીબીના બે ખેલાડીઓ બહાર થઈ ગયા છે.
સિડની મૉર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ પ્રમાણે અનેક ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ ઑસ્ટ્રેલિયન સરકાર દ્વારા ભારતથી આવતા મુસાફરોની સંખ્યા ઓછો કરવામાં આવ્યા બાદ ઘરે પરત ફરવાને લઈને ડરેલા છે. ભારતમાં દૈનિક લગભગ 3.5 લાખ કોવિડ-19 કેસ સામે આવી રહ્યા છે.
બીજી તરફ ઑક્સિજન અને બેડની પણ અછત વર્તાઈ રહી છે. અનેક ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ ભારતમાં વધી રહેલા કેસને કારણે ટૂર્નામેન્ટને વચ્ચેથી જ છોડી દેવાની માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત તાજેતરમાં જ ભારતથી ઑસ્ટ્રેલિયા પરત ફરી રહેલા લોકોને મુસાફરી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી પણ આ ખેલાડીઓએ ટૂર્નામેન્ટ છોડ્યાનું ટ્વીટ કરવામાં આવ્યું છે. આરસીબીએ ટ્વીટ કર્યું છે કે, “એડમ ઝમ્પા અને કેન રિચર્ડ્સન અંગત કારણોસર ઑસ્ટ્રેલિયા પરત ફરી રહ્યા છે. તેઓ આગળ ટૂર્નામેન્ટ નહીં રમે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તેમના નિર્ણયનું સન્માન કરે છે અને તેમને પૂર્ણ સહકાર પણ આપે છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઑસ્ટ્રેલિયન ખેલાડી એન્ડ્રૂ ટાયે પણ અંગત કારણોસર રાજસ્થાન રોયલ્સ સાથે પોતાની ફ્રેન્ચાઇઝી ખતમ કરી નાખી હતી. એ પહેલા રાજસ્થાન માટે રમતા ઇંગ્લેન્ડના લિયામ લિવિંગસ્ટોને પણ થોડા દિવસ પહેલા બાયો બબલ થાકનું કારણ આપીને ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.