હાલમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરનારા ભારતીય ટીમના માજી બેટ્સમેન અંબાતી રાયડુએ પોતાની નિવૃત્તિ બાબતે યુ ટર્ન મારીને ક્રિકેટ ક્ષેત્રે વાપસી કરવાનો નિર્ણય કર્યો છે. 33 વર્ષિય રાયડુએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનને ઇ-મેલ કરીને કહ્યું છે કે લાગણીમાં વહીને મેં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો અને હવે હું પસંદગી માટે ઉપલબ્ધ છું.
એચસીએના સીઓએ સભ્ય રત્નાકર શેટ્ટીને ગુરૂવારે મોકલાયેલા ઇમેલમાં રાયડુએ લખ્યુ છે કે હું તમારા ધ્યાને એ વાત લાવવા માગુ છું કે હું નિવૃત્તિ પાછી ખેંચીને તમામ ફોર્મેટમાં ક્રિકેટ રમવા માગીશ. રાયડુએ કહ્યું કે હું ચેન્નઇ સુપર કિંગ્સ, વીવીએસ લક્ષ્મણ અને નોએલ ડેવિડનો આભાર માનવા માગુ છું કે જેઓ કપરા સમયે મારી સાથે રહીને મને એ અહેસાસ અપાવ્યો કે મેં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને હજુ મારામાં ઘણું ક્રિકેટ બાકી છે. રાયડુએ એવું પણ કહ્યું કે નિવૃત્તિનો નિર્ણય ઉતાવળમાં લીધો હતો.