MG Comet EV: Morris Garages (MG Motors) એ ભારતીય માર્કેટમાં તેની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક કાર MG કોમેટ લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી કંપની સતત આ કારની ટીઝર તસવીરો સોશિયલ મીડિયા પર રિલીઝ કરી રહી છે. હવે કંપનીએ ભારતમાં આ કારનું પ્રોડક્શન કરવાની જાહેરાત કરી છે. તેનું પ્રથમ યુનિટ ગુજરાતના હાલોલમાં કંપનીના પ્લાન્ટમાંથી શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય માર્કેટમાં MG મોટરની આ બીજી ઈલેક્ટ્રિક કાર હશે, જે 19મી એપ્રિલે દેશમાં રજૂ થવાની તૈયારીમાં છે.
MG કોમેટ કંપનીની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક કાર હશે, જે GSEV પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાતી Wuling Air EVમાં પણ આ જ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મ પર બનેલી કાર સોલિડ સ્ટીલ ફ્રેમનો ઉપયોગ કરે છે જ્યારે કારની બોડી 17 સ્ટેમ્પિંગ પેનલ્સથી બનાવવામાં આવી છે. ચાર સીટ અને ત્રણ ડોરવાળી આ ઈલેક્ટ્રિક કારનું વ્હીલબેઝ 2,010 mm છે.
તેની લંબાઈ માત્ર 2.9 મીટર છે અને કારની અંદર ચાર સીટ આપવામાં આવી છે અને કંપનીનો દાવો છે કે આ કાર તમને કેબિનમાં સારી જગ્યા આપે છે. કારને 2,010mmનો વ્હીલબેઝ મળે છે, જે કેબિનને વિશાળ બનાવવામાં મદદ કરે છે. અહેવાલો અનુસાર, કંપની આ કારને કુલ પાંચ કલર્સમાં રજૂ કરશે, જેમાં વ્હાઇટ, બ્લુ, યલો, પીંક અને રેડ કલરનો સમાવેશ થાય છે.
કેવું હશે ઈન્ટિરિયર?
એમજી કોમેટ ઇલેક્ટ્રિક કારના આ ટીઝરમાં કારનું સ્ટીયરિંગ વ્હીલ બતાવવામાં આવ્યું છે, જે માઉન્ટેડ કંટ્રોલથી સજ્જ છે. માત્ર 13 સેકન્ડના આ ટીઝર વીડિયોમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આવનારી ઇલેક્ટ્રિક કાર નવી ટેક્નોલોજીને સપોર્ટ કરશે. તેમાં કનેક્ટિવિટી ટેક સાથે ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવશે. તેમાં 10.25-ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે.
બેટરી અને ડ્રાઇવિંગ રેન્જ
જો કે, કંપનીએ આ ઇલેક્ટ્રિક કારના નામની જાહેરાત કરી છે અને તેના પાવરટ્રેન અથવા બેટરી પેક વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આ કારમાં 20-25kWh કેપેસિટીનું બેટરી પેક આપી શકે છે, શક્ય છે કે આ બેટરી Tata Autocop પાસેથી લોકલ રીતે મેળવી શકાય. કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર એક જ ચાર્જમાં 200 થી 300 કિલોમીટરની ડ્રાઈવિંગ રેન્જ આપી શકે છે. આમાં, કંપની સિંગલ ફ્રન્ટ એક્સલ મોટર આપશે જે 68hpનો પાવર જનરેટ કરી શકે છે.
શું હશે કિંમત
MG Cometને એક સસ્તું ઇલેક્ટ્રિક કાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહી છે. જો કે લોન્ચિંગ પહેલા તેની કિંમત વિશે કંઈપણ કહેવું થોડું વહેલું છે, પરંતુ એવું માનવામાં આવે છે કે કંપની તેને લગભગ 10 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમતે ઓફર કરી શકે છે. હાલમાં, Tata Nexon EV, Tata Tiago EV જેવા મોડલ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે અને શક્ય છે કે આ કારની કિંમત Tiago EVની આસપાસ હોય.