મુંબઇ. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ ગુરુવારે પોતાના તમામ કાર મૉડલની કિંમતમાં ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. નવી કિંમત આવતા વર્ષથી એટલે કે જાન્યુઆરી 2022થી લાગૂ પડશે. મારુતિ સુઝુકી ઇન્ડિયા તરફથી કરવામાં આવ્યું છે કે, આવતા મહિનાથી તમામ મૉડલની કિંમતમાં વધારો કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે તે અલગ અલગ મૉડલમાં અલગ અલગ ભાવ વધારો કરશે મારુતિ સુઝુકીએ એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું છે કે, છેલ્લા એક વર્ષથી ઇનપુટ ખર્ચમાં સતત વધારો થતાં વાહનોના ઉત્પાદન ખર્ચ પર અસર પડી છે. આથી કિંમતમાં વધારો કરીને ઉત્પાદન ખર્ચના વધારાના ખર્ચનો અમુક હિસ્સો ગ્રાહક પર નાખવો જરૂરી બની ગયો છે.
કંપનીએ આ વર્ષે સપ્ટેમ્બર જુલાઈ અને માર્ચમાં કિંમત વધારાની જાહેરાત કરી હતી. કંપનીએ અનેક મૉડલની કિંમતમાં સતત વધારો કર્યો છે. આ પહેલા મારુતિ સુઝુકીએ કહ્યું હતું કે, સેમી કન્ડક્ટરની અછતને પગલે ડિસેમ્બર મહિનામાં કંપનીનું ઉત્પાદન 80-85 ટકા થઈ શકે છે. સેમી કન્ડક્ટરની અછતને પગલે વાહન નિર્માતાઓ વાહનોની ડિલિવરી સમયસર નથી કરી શકતા. હાલ આ એક ચિંતાનો વિષય બની ગયો છે.મારુતિએ છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત પ્રોડક્શન ઓછું થવાની વાત ઉચ્ચારી છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પણ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત કંપની ઉત્પાદન ખર્ચમાં વધારાને પગલે પણ પરેશાન છે. આ જ કારણ છે કે કંપનીએ આ વર્ષે તેના વિવિધ મૉડલની કિંમતમાં વધારો જાહેર કર્યો હતો.નવેમ્બર મહિનામાં મારુતિ સુઝુકીના વેચાણમાં ઘટાડો થયો હતો. કંપનીને ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સની અછત ભારે પડી છે. જેના પગલે નવેમ્બરમાં કંપનીએ 1,39,184 ગાડી વેચી હતી. જ્યારે એક વર્ષ પહેલા નવેમ્બરમાં કંપનીએ 1,53,223 ગાડી વેચી હતી. નવેમ્બર 2021માં વેચાણના આંકડામાં 1,13,017 ગાડી ઘરેલૂ બજારમાં અને 4,774 ગાડી OEMમાં વેચવામાં આવી છે. નવેમ્બર 2020માં કુલ ઘરેલૂ પેસેન્જર ગાડીઓનું વેચાણ 135,775થી ઘટીને 109,726 ગાડી રહી હતી.મારુતિના શેરની કિંમત પર નજર કરીએ તો ગુરુવારે મારુતિની શેર BSE પર નજીવા ઘટાડા સાથે 7264 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો.