દેશની રાજધાની દિલ્હીમાં કેબ સર્વિસ, ફૂડ ડિલિવરી સર્વિસ અને ઈ-કોમર્સ જેવી કંપનીઓ દ્વારા વ્હીકલના ઉપયોગ માટે ટૂંક સમયમાં નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ આવી કંપનીઓ માટે નવી એગ્રીગેટર પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે, જે અંતર્ગત આ કંપનીઓને 2030 સુધીમાં રાજધાનીના રસ્તાઓ પર માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.
ટૂંક સમયમાં પસાર થનારી એગ્રીગેટર પોલિસી હેઠળ, તમામ કેબ કંપનીઓ, ફૂડ ડિલિવરી કંપનીઓ અને ઈ-કોમર્સ એન્ટિટી માટે એપ્રિલ 2030 સુધીમાં તેમના કાફલાને સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક કરવું ફરજિયાત રહેશે. પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતે મીડિયાને જણાવ્યું હતું કે, “1 એપ્રિલ, 2030 સુધીમાં, દિલ્હીમાં કેબ અને અન્ય ઇ-કોમર્સ સંસ્થાઓ માટે સંપૂર્ણ ઇલેક્ટ્રિક ફ્લીટ ફરજિયાત કરવામાં આવશે.” એટલે કે, આ સંસ્થાઓ જે હાલમાં પેટ્રોલ અને સીએનજી વ્હીકલનો ઉપયોગ કરી રહી છે તે ફક્ત ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરી શકશે.
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ વધી રહ્યું છે.
પરિવહન વિભાગના જણાવ્યા અનુસાર, ગયા માર્ચમાં, દિલ્હીમાં ઇલેક્ટ્રિક વ્હીકલનો હિસ્સો અત્યાર સુધીના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે, લગભગ 15 ટકા. માર્ચ મહિનામાં, દિલ્હીમાં 7,917 ઇલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે, જેમાં લગભગ 20 ટકા ફોર-વ્હીલર ઇલેક્ટ્રિક વ્હીકલ અને 12 ટકા થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વ્હીકલનો સમાવેશ થાય છે. ગયા મહિને રાજ્યમાં કુલ 53,620 વ્હીકલ નોંધાયા છે, જેમાં ICE એન્જિનનો આંકડો પણ સામેલ છે. વિભાગનું કહેવું છે કે દિલ્હી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી હેઠળ એક વર્ષમાં 1.12 લાખ ઈલેક્ટ્રિક વ્હીકલનું વેચાણ થયું છે. આ નીતિ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020માં લાગુ કરવામાં આવી હતી.
ઈન્ફ્રા ચાર્જિંગ અંગે શું યોજના
કૈલાશ ગેહલોતે મીડિયાને જણાવ્યું હતું કે, “અમે વધુ ઝડપી ગતિએ અને પોસાય તેવા ભાવે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોનું વિસ્તરણ કરી રહ્યા છીએ. ઇલેક્ટ્રિક વ્હીકલ માટે એક મજબૂત મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. તેની પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હીને વાયુ પ્રદૂષણ મુક્ત બનાવવાનો છે.” અને અમે છેલ્લા કેટલાક વર્ષોમાં સારા પરિણામો જોવા મળ્યા છે. વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે, કાયદા વિભાગ દ્વારા એગ્રીગેટર ડ્રાફ્ટ પોલિસી પસાર કરવામાં આવી છે અને પરિવહન વિભાગ અને લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી અંતિમ મંજૂરી મળ્યા બાદ તે અમલ કરવા માટે તૈયાર થઈ જશે. તે
હાલના વ્હીકલનું શું થશે
દિલ્હીમાં કેબ સર્વિસનો ઉપયોગ ઝડપથી વધ્યો છે અને તે જ સમયે કેબ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓના કાફલામાં વ્હીકલની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. આમાંના મોટાભાગના સીએનજી અને પેટ્રોલથી ચાલતા વ્હીકલ છે. નવી નીતિમાં જુની કેબને તબક્કાવાર બહાર કરવાની જોગવાઈ છે, જેનો અર્થ છે કે નોટિફિકેશનના છ મહિનાની અંદર એગ્રીગેટર્સના કાફલાના લગભગ 5% ઈલેક્ટ્રિક હોવા જોઈએ.
જે નવ મહિનામાં 15%, એક વર્ષના અંત સુધીમાં 25%, બે વર્ષના અંત સુધીમાં 50%, ત્રણ વર્ષના અંત સુધીમાં 75% અને ચાર વર્ષના અંત સુધીમાં 100% કરવામાં આવશે. આ નિયમ હેઠળ, 1 એપ્રિલ, 2030 સુધીમાં કેબ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓના કાફલામાં ફક્ત ઇલેક્ટ્રિક વ્હીકલ રાખવાનો લક્ષ્યાંક છે. એટલું જ નહીં, જો એગ્રીગેટર્સ આ નિયમનું પાલન નહીં કરે તો દંડની જોગવાઈ કરવામાં આવશે.