RBI
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજે (5 જૂન) એટલે કે બુધવારથી શરૂ થશે. આ બેઠક 7 જૂન સુધી ચાલશે. નાણાકીય વર્ષ 2024-25ની આ બીજી બેઠક હશે. નિષ્ણાતોના મતે, આ બેઠકમાં આરબીઆઈ રેપો રેટ એટલે કે વ્યાજ દરમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. હાલમાં રેપો રેટ 6.50% પર યથાવત છે. આરબીઆઈએ એપ્રિલમાં યોજાયેલી તેની અગાઉની બેઠકમાં વ્યાજદરમાં વધારો કર્યો ન હતો.
નાણાકીય નીતિની બેઠક દર બે મહિને થાય છે. નાણાકીય વર્ષ 2022-23ની પ્રથમ બેઠક એપ્રિલ-2022માં યોજાઈ હતી. ત્યારે RBIએ રેપો રેટને 4% પર સ્થિર રાખ્યો હતો પરંતુ 2જી અને 3જી મેના રોજ ઈમરજન્સી મીટિંગ બોલાવીને RBIએ રેપો રેટ 0.40% વધારીને 4.40% કર્યો હતો.
રેપો રેટમાં આ ફેરફાર 22 મે, 2020 પછી થયો છે. આ પછી, 6 થી 8 જૂન દરમિયાન યોજાયેલી બેઠકમાં, રેપો રેટમાં 0.50% નો વધારો કરવામાં આવ્યો હતો. આ કારણે રેપો રેટ 4.40% થી વધીને 4.90% થયો. પછી ઓગસ્ટમાં તેમાં 0.50%નો વધારો કરીને તેને 5.40% કરવામાં આવ્યો.
સપ્ટેમ્બરમાં વ્યાજ દર વધીને 5.90% થયા. ત્યાર બાદ ડિસેમ્બરમાં વ્યાજ દર 6.25% પર પહોંચી ગયા હતા. આ પછી, નાણાકીય વર્ષ 2022-23 માટે છેલ્લી નાણાકીય નીતિની બેઠક ફેબ્રુઆરીમાં યોજાઈ હતી, જેમાં વ્યાજ દરો 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યા હતા.