Indian Economy: ભારતના GDP સંબંધિત ખરાબ સમાચાર, ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિની ગતિ ધીમી રહેશે: NSOનો અંદાજ
Indian Economy: ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમાચાર આવ્યા છે. વર્તમાન નાણાકીય વર્ષ (2024-2025)માં દેશનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજ છે. ગયા નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા 8.2 ટકાના દરે વૃદ્ધિ પામી હતી. મંગળવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ 2024-25 માટે રાષ્ટ્રીય આવકના પ્રથમ આગોતરા અંદાજો બહાર પાડતા, રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) એ જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી 6.4 ટકાના દરે વધવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનો કામચલાઉ અંદાજ 8.2 ટકા જણાવવામાં આવ્યો છે.
આરબીઆઈ કરતા ઓછો અંદાજ
ચાલુ નાણાકીય વર્ષ માટે NSOનો GDP વૃદ્ધિનો અંદાજ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના અંદાજ કરતાં ઓછો છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2024-25માં જીડીપી 6.6 ટકાના દરે વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. આ કોરોના રોગચાળા પછીનો સૌથી ધીમો વાર્ષિક જીડીપી વૃદ્ધિ દર છે, જ્યારે વર્ષ 2020-21 દરમિયાન તે ઘટીને -5.8% થયો હતો.