Income Tax: ઇન્કમ ટેક્સમાં રાહત માટે બજેટની રાહ જોવી નહીં પડે, ગમે ત્યારે થઈ શકશે સુધારો: નવા બિલમાં જાણો શું ફેરફાર
Income Tax: કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવેલી નવા ઇન્કમ ટેક્સ બિલ 2025ની જાહેરાતને આજે કેબિનેટ દ્વારા મંજૂરી મળી શકે છે. આ બિલમાં એક એવી ખાસ જોગવાઈ ઘડાઈ શકે છે, જેમાં બજેટની રાહ જોયા વિના સરકાર પાસે ઇન્ક્મ ટેક્સ વ્યવસ્થામાં રાહત તથા સુધારા કરવાનો અધિકાર રહેશે. મીડિયા રિપોર્ટ અનુસાર, નવા બિલમાં અમુક એવી જોગવાઈઓ રજૂ કરવામાં આવી છે, જે સરકારને કાર્યકારી આદેશોના માધ્યમથી કપાત અને છૂટની મર્યાદા તથા રકમમાં ફેરફાર કરવા મંજૂરી આપશે.
સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ કરશે ફેરફાર
નવા ઇન્કમ ટેક્સ બિલમાં સરકાર પાસે કાર્યકારી આદેશ મારફત સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ સમયાંતરે ફેરફાર કરવાની સત્તા રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠકમાં આજે આ બિલને મંજૂરી મળવાની સંભાવના છે. ત્યારબાદ તેને સંસદમાં રજૂ કરાશે. ત્યારબાદ સંસદીય સ્થાયી સમિતિ સમક્ષ વિસ્તૃત ચર્ચા માટે મોકલવામાં આવશે.
આ નવો કાયદો ‘ડાયરેક્ટ ટેક્સ કોડ’ તરીકે ઓળખાશે. જેમાં આવકવેરાની સંરચનાને સરળ બનાવવા અને સુધારો કરવાની જોગવાઈ છે. જે આવકવેરા અધિનિયમ 1961ના સ્થાને લાગુ થશે. 2025ના બજેટ ભાષણમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, આ બિલ ન્યાય સંહિતાના કેન્દ્ર સ્થાને જ છે. મને જણાવતા આનંદ થાય છે કે, નવું ઇન્કમ ટેક્સ બિલ ‘ન્યાય’ની ભાવનાને આગળ ધપાવશે. આ બિલ વર્તમાન કાયદાની આંટીઘૂંટીઓને સરળ બનાવી બિનજરૂરી નીતિ-નિયમોને કાઢી નાખશે. જે કરદાતાઓ અને કર પ્રશાસન માટે સમજવામાં સરળ હશે, જેનાથી સંબંધિત નિશ્ચિતતા અને વિવાદ ઘટશે.