Gautam Adani: અદાણી વિલ્મરમાંથી સંપૂર્ણપણે બહાર, તેલ, લોટ અને ચોખાનું વેચાણ નહીં કરે
Gautam Adani: અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણીએ સોમવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે તેમની કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અદાણી વિલ્મર લિમિટેડમાંના તેના 44 ટકા હિસ્સાને સંપૂર્ણપણે છોડી દેવા જઈ રહી છે. આ પગલું અદાણી ગ્રૂપ માટે એક મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે, કારણ કે તેઓ હવે તેલ, લોટ, કઠોળ અને ચોખા જેવી રોજિંદા કરિયાણાની પ્રોડક્ટ્સમાં વેપાર કરશે નહીં.
આ સોદો બે તબક્કામાં પૂર્ણ થશે અને અદાણી જૂથને આ પ્રક્રિયામાં અંદાજે $2 બિલિયન (અંદાજે રૂ. 17,000 કરોડ) મળવાની શક્યતા છે. પ્રથમ તબક્કામાં, અદાણી તેનો હિસ્સો વિલ્મર ઇન્ટરનેશનલની પેટાકંપની Lance Pte Ltd ને ટ્રાન્સફર કરશે. બીજા તબક્કામાં, અદાણી એન્ટરપ્રાઈઝ શેર હોલ્ડિંગ પેટર્નના નિયમો અનુસાર તેનો હિસ્સો વેચશે.
આ જાહેરાત પછી, અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 7.65 ટકાનો વધારો નોંધાયો હતો અને શેર દીઠ રૂ. 2,593.45 પર બંધ થયો હતો. ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં કંપનીનો શેર રૂ. 2,609.85 પર પહોંચ્યો હતો. તે જ સમયે, અદાણી વિલ્મરના શેરમાં 0.17 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે રૂ. 329.50 પર બંધ થયો હતો.
આ નિર્ણય બાદ અદાણી વિલ્મરનું માર્કેટ કેપ 42,785 કરોડ રૂપિયા હતું, જ્યારે હાલમાં આ કંપનીનું માર્કેટ કેપ 42,824.41 કરોડ રૂપિયા છે. અદાણી ગ્રુપના આ નિર્ણયથી FMCG સેક્ટરમાં ભારે હલચલ મચી ગઈ છે અને રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાતો આગામી દિવસોમાં આ ડીલની અસર પર નજર રાખી રહ્યા છે.