EV: નવી યોજના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ, ઇ-એમ્બ્યુલન્સ, ઇ-ટ્રક અને અન્ય ઉભરતા ઇલેક્ટ્રિક વાહનો (EVs) ને અપનાવવા માટે રૂ. 3,679 કરોડની સબસિડી/માગ પ્રોત્સાહનો ઓફર કરે છે.
કેન્દ્રીય કેબિનેટે બુધવારે દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે રૂ. 10,900 કરોડના ખર્ચ સાથે ‘PM ઇ-ડ્રાઇવ સ્કીમ’ને મંજૂરી આપી છે. બે વર્ષના સમયગાળા માટે રજૂ કરાયેલી આ યોજના ‘FAME’ પ્રોગ્રામનું સ્થાન લેશે જે માર્ચ 2024 સુધી અમલમાં હતી. હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોના ઝડપી અમલીકરણ અને ઉત્પાદન માટે નવ વર્ષ લાંબો FAME પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે અહીં પત્રકારોને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ‘PM ઇલેક્ટ્રિક ડ્રાઇવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હીકલ એન્હાન્સમેન્ટ’ (PM e-Drive) યોજના લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ યોજના 24.79 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, 3.16 લાખ ઇ-થ્રી-વ્હીલર અને 14,028 ઇ-બસને સપોર્ટ કરશે.
ચાર્જિંગ સ્ટેશનને પણ સપોર્ટ આપવામાં આવશે
વૈષ્ણવે કહ્યું કે પીએમ ઈ-ડ્રાઈવ યોજના હેઠળ 88,500 ચાર્જિંગ સ્ટેશનને પણ સપોર્ટ આપવામાં આવશે. નવી યોજના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર, ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ, ઇ-એમ્બ્યુલન્સ, ઇ-ટ્રક અને અન્ય ઉભરતા ઇલેક્ટ્રિક વાહનો (EVs) અપનાવવા માટે રૂ. 3,679 કરોડની સબસિડી/માગ પ્રોત્સાહન આપે છે. આ યોજના હેઠળ, રાજ્ય પરિવહન ઉપક્રમો અને જાહેર પરિવહન એજન્સીઓ દ્વારા 14,028 ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે 4,391 કરોડ રૂપિયાની રકમ રાખવામાં આવી છે.
ઈ-એમ્બ્યુલન્સ માટે પણ ફંડ આપવામાં આવ્યું
આ સિવાય ઈ-એમ્બ્યુલન્સની જમાવટ માટે 500 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. દર્દીઓના આરામદાયક પરિવહન માટે ઈ-એમ્બ્યુલન્સનો ઉપયોગ વધારવા માટે સરકારની આ એક નવી પહેલ છે. વૈષ્ણવે કહ્યું કે ઈલેક્ટ્રિક ટ્રકને અપનાવવા માટે PM ઈ-ડ્રાઈવ યોજનામાં 500 કરોડ રૂપિયાની રકમ પણ આપવામાં આવી છે.