CNG PNG Price Latest Updates: મોંઘવારીથી ત્રસ્ત લોકોને મોદી સરકાર મોટી રાહત આપવા જઈ રહી છે. ટૂંક સમયમાં જ દેશમાં સીએનજી (CNG) અને પીએનજી (PNG) ની કિંમતોમાં ઘટાડો થવા જઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે મળેલી કેબિનેટની બેઠકમાં CNG-PNG ની કિંમત સહિત અનેક મુદ્દાઓ પર મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આપી જાણકારી
તેમણે જણાવ્યું કે, હવે પાઇપ દ્વારા સપ્લાય કરવામાં આવતા સીએનજી અને પીએનજી ગેસના ભાવ (CNG PNG Price) ની મહત્તમ મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના માટે એપીએમ (APM) ગેસ પર 4 ડોલર પ્રતિ એમએમબીટીયૂ (mmBtu) ના આધાર મૂલ્યને મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે જ MMBTU દીઠ 6.5 ડોલરની મહત્તમ કિંમત રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
કિંમત નક્કી કરવા માટે બનાવવામાં આવી આ ફોર્મ્યુલા
મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, કેબિનેટમાં મંજૂર કરાયેલી નવી ફોર્મ્યુલા હેઠળ હવે સીએનજી – પીએનજી ગેસ (CNG PNG Price) ના ભાવને ક્રૂડ ઓઈલ સાથે લિંક કરવામાં આવશે. સ્થાનિક ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટના વૈશ્વિક ભાવની માસિક સરેરાશના 10% હશે. આ કિંમત દર મહિને નોટિફાય કરવામાં આવશે. આ ફોર્મ્યુલાથી PNGની કિંમતોમાં 10% સુધીનો ઘટાડો થશે. તે જ સમયે, સીએનજીના ભાવમાં 7-9% ઘટાડો થશે. તેનાથી સામાન્ય ઘરેલું ગ્રાહકોથી લઈને ખેડૂતો અને વાહન ચલાવતા લોકોને ઘણો ફાયદો થશે.
પહેલા આવી રીતે નક્કી થતી હતી કિંમત
આપને જણાવી દઈએ કે, અત્યાર સુધી સરકાર વર્ષમાં બે વાર સીએનજી – પીએનજીની કિંમત (CNG PNG Price) નક્કી કરતી હતી. આ કિંમતો 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવતી હતી. આ કિંમતો નક્કી કરવા માટે કેનેડા, અમેરિકા અને રશિયા જેવા દેશોમાં એક વર્ષમાં એક ક્વાર્ટરના અંતરાલ સાથે પ્રવર્તમાન દરોને આધાર બનાવવામાં આવ્યા હતા. હવે નવી નીતિમાં આયાતી કાચા તેલની કિંમતો સાથે જોડવા માટે કિંમત નિર્ધારણની આ પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે આ કિંમતો માસિક જાહેર કરવામાં આવશે.