Samsung on India Tech Growth: દક્ષિણ કોરિયાની મોટી મોબાઈલ કંપની સેમસંગ (Samsung) એ ભારતના સ્માર્ટફોન અને ટેક સેક્ટરને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. એક મીડિયા સંસ્થાન સાથે વાત કરતા વિશ્વની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા અને ટેક કંપની સેમસંગના ગ્લોબલ પ્રેસિડેન્ટ ટીએમ રોહ (TM Roh) એ જણાવ્યું હતું કે યુરોપ અને અમેરિકાના ઘણા દેશો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. તે જ સમયે, ભારત વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ‘મેક ઇન ઇન્ડિયા’ દ્વારા સ્થાનિક ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આના કારણે દેશમાં નવા રોકાણ, ઉત્પાદનો અને નોકરીઓની કોઈ કમી નથી. નોંધપાત્ર રીતે, સેમસંગ ભારતમાં 1995થી બિઝનેસ કરી રહ્યું છે અને કંપનીની યુપીના નોઇડામાં તેની સૌથી મોટી ફેક્ટરી છે.
ભારતમાં સ્માર્ટફોન યુઝર્સની તેજીથી વધી રહી છે સંખ્યા
તેની સાથે ટીએમ રોહે એમ પણ જણાવ્યું હતું કે, ભારતમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. તેમનું માનવું છે કે વર્ષ 2026 સુધીમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 65 કરોડથી વધીને 100 કરોડ થવાની ધારણા છે. વધતા સ્માર્ટફોનની સાથે ભારતમાં ટેક્નોલોજીનો પણ વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય છે.
વૈશ્વિક મંદીના સમયમાં ભારત બનશે એન્જિન
વૈશ્વિક મંદી પર પ્રતિક્રિયા આપતા રોહે જણાવ્યું હતું કે, નિષ્ણાતોના મતે વૈશ્વિક વોલ્યુમમાં 5 થી 10 ટકાનો મોટો ઘટાડો નોંધવામાં આવી શકે છે. મંદીની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ખૂબ જ ખરાબ અસર પડી છે. જો કે, આ મંદીમાં પણ ભારતીય બજારની ચાલ અલગ જ રહેશે. ભારતમાં 5G નેટવર્ક (5G Network in India) ના વિસ્તરણને કારણે દેશમાં સ્માર્ટફોનના વેચાણમાં 60 ટકા સુધીનો વધારો નોંધવામાં આવશે. તે જ સમયે, દેશના પ્રીમિયમ કેટેગરીના સ્માર્ટફોનમાં 30 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે. આ ગ્રોથ માત્ર એક વર્ષમાં જ નહીં પરંતુ આવનારા કેટલાક વર્ષોમાં જોવા મળી શકે છે, કારણ કે મોટી સંખ્યામાં યુવાનો ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યાં છે. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે, અમે ભારતને વૈશ્વિક સ્માર્ટફોનનું સૌથી મોટું એન્જિન માનીએ છીએ.
ભારતીય માર્કેટને વધુ સારી રીતે સમજે છે સેમસંગ
ભારતીય બજારમાં Apple iPhone અને OnePlusની વધતી હાજરી અને પડકાર અંગે રોહે જણાવ્યું હતું કે, અમે વર્ષોથી ભારતીય બજારમાં હાજર છીએ. અમે વર્ષોથી ભારતમાં રોકાણ કરી રહ્યાં છીએ. આવી સ્થિતિમાં સેમસંગ ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજે છે. અમે હંમેશા ‘મેક ઇન ઇન્ડિયા’ પર કામ કર્યું છે. તેની સાથે તેમણે જણાવ્યું કે, અમે નોઈડા ફેક્ટરી દ્વારા માત્ર દેશની માંગને સંતોષી રહ્યાં નથી, પરંતુ અમે વિદેશમાં પણ મોટી સંખ્યામાં સ્માર્ટફોનની નિકાસ કરવા સક્ષમ છીએ. તેની સાથે કંપની રિસર્ચ અને ડેવલપમેન્ટ પર પણ ખાસ ધ્યાન આપી રહી છે.