વર્તમાન સમયમાં બચત એ ખૂબ જ જરૂરી થઈ ગઈ છે. ભવિષ્યમાં ક્યારેય પણ રૂપિયાની જરૂર પડી જાય છે. ત્યારે સરકાર દ્વારા વિવિધ સ્કીમઓ ચલાવવામાં આવી રહી છે. બચત કરીને તમે ઈનકમ ટેક્સમાં છૂટ પણ મેળવી શકો છો. અમે જે સ્કીમઓ વિશે તમને જાણકાવી આપવા જઈ રહ્યાં છે તેના પર 8 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે. ચાલો જાણીએ આ સ્કીમ વિશે…
1. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ
- પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એકાઉન્ટમાં જમા રકમ પર હાલમાં 7.1% વ્યાજ મળી રહ્યું છે.
- થાપણ પર વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે, જેનો અર્થ છે કે તેને દર વર્ષે મૂળ રકમમાં ઉમેરવામાં આવે છે.
- PPF છૂટની ઈઈઈ કેટેગેરી હેઠળ આવે છે. તેનો અર્થ એ કે રિટર્ન, મેચ્યોરિટી રકમ અને વ્યાજથી આવક પર ઈનકમ ટેક્સ છૂટ મળે છે.
- આ એકાઉન્ટ 15 વર્ષ માટે ખોલાવી શકાય છે, તેને આગળ 5 વર્ષ માટે વધારી શકાય છે.
- PPFમાં ન્યૂનતમ 500 રૂપિયાથી એકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમાં એક નાણાકિય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી છે.
- આ સ્કીમ હેઠળ તમે એક વર્ષમાં એકાઉન્ટમાં મહત્તમ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો.
2. ટાઈમ ડિપોઝિટ સ્કીમ
- આ એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ (FD) છે. તેમાં એક નિશ્ચિત સમયગાળા માટે એકસાથે રોકાણ કરીને તમે નિશ્ચિત રિટર્ન અને વ્યાજનો લાભ લઈ શકો છો.
- પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ 1થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે 5.5થી 7% સુધી વ્યાજ આપે છે.
- ભારતીય પોસ્ટ ઓફિસની સત્તાવાર વેબસાઈટ મુજબ, 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ હેઠળ રોકાણ કરવા પર 80C હેઠળ ટેક્સ છૂટનો લાભ લઈ શકાય છે.
- 5 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટમાં જમા કરવા પર તમને વાર્ષિક 7%ના હિસાબે વ્યાજ મળશે.
- તેમાં 1000 રૂપિયા ન્યૂનતમ રોકાણ કરવાનું હોય છે. જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી.
3. નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ
- પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ પર 7% વ્યાજ મળી રહ્યું છે.
- તેમાં વ્યાજની ગણતરી વાર્ષિક ધોરણે થાય છે, પરંતુ વ્યાજની રકમ રોકાણનો સમયગાળો પૂર્ણ થવા પર આપવામાં આવે છે.
- એનએસસી એકાઉન્ટ ખોલાવવા માટે તમને ન્યૂનતમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
- તમે એનએસસીમાં ગમે તેટલી રકમનું રોકાણ કરી શકે છે. તેમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.
4. સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ
- સ્કીમમાં વાર્ષિક 8% ટકા વ્યાજ મળી રહ્યું છે.
- 60 વર્ષ અથવા તેનાથી વધુ ઉંમર પછી એકાઉન્ટ ખોલી શકાય છે.
- વીઆરએસ (VRS) લેનાર વ્યક્તિ જે 55 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી છે, તે પણ એકાઉન્ટને ખોલાવી શકે છે.
- સ્કીમ હેઠળ 5 વર્ષ માટે રૂપિયા રોકી શકાય છે. મેચ્યોરિટી પછી આ સ્કીમને 3 વર્ષ માટે વધારી પણ શકાય છે.
- સ્કીમ હેઠળ તમે મેક્સિમમ 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
5. સુકન્યા સમૃદ્ધિ સ્કીમ
- બાળકીના જન્મ થયા પછીથી 10 વર્ષની ઉંમર પહેલાં આ એકાઉન્ટ ખોલાવી શકાય છે.
- તમે ફક્ત 250 રૂપિયામાં એકાઉન્ટ ખોલાવી શકો છો. તેમાં વાર્ષિક 7.6%ના દરે વ્યાજ મળે છે, જે ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધુ છે.
- ચાલુ નાણાકિય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ સ્કીમ હેઠળ મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
- એકાઉન્ટ કોઈપણ પોસ્ટ ઓફિસ અથવા બેંકની અધિકૃત શાખામાં ખોલાવી શકાય છે.