Budget 2024
આયુષ્માન ભારત PM-JAY એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે, જેનો ઉદ્દેશ્ય 12 કરોડથી વધુ ગરીબ અને નબળા પરિવારો (અંદાજે 55 કરોડ લાભાર્થીઓ)ને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર આપવાનો છે. હવે આ મર્યાદા વધારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. આ બજેટમાં સામાન્ય લોકોને ઘણી રાહતો મળવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સરકાર આયુષ્માન યોજના હેઠળ દેશના ઓછી કમાણીવાળા લોકો માટે મફત સારવારની મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી શકે છે સાથે જ શ્રમિક વર્ગ માટે આવકવેરામાં રાહત પણ આપી શકે છે. પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર બજેટમાં વીમા કવરેજને બમણું કરવા અંગે મોટી જાહેરાત કરી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરી શકે છે. રિપોર્ટ અનુસાર, હવે આ યોજના 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આવરી લેશે.
શું છે આયુષ્માન ભારત યોજના?
આયુષ્માન ભારત PM-JAY એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે, જેનો ઉદ્દેશ્ય 12 કરોડથી વધુ ગરીબ અને નબળા પરિવારો (અંદાજે 55 કરોડ લાભાર્થીઓ)ને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર આપવાનો છે. હવે આ મર્યાદા વધારવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. PM-JAY સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને અમલીકરણનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વહેંચવામાં આવે છે.
લોકોને મોંઘી સારવારમાંથી રાહત મળશે
કોરોના મહામારી બાદ સારવારનો ખર્ચ ઝડપથી વધ્યો છે. ઘણા લોકો ગરીબીને કારણે યોગ્ય સારવાર મેળવી શકતા નથી. આ યોજનામાં મર્યાદા વધારવાથી કરોડો લોકોને ફાયદો થશે. તેઓ મફત સારવાર મેળવી શકશે અને હોસ્પિટલના મોંઘા ખર્ચમાંથી રાહત મળશે. આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની મર્યાદા વધારવાથી દર વર્ષે સરકારી તિજોરી પર આશરે રૂ. 12,076 કરોડનો વધારાનો બોજ પડશે.