AC
વધતા તાપમાન અને ગરમ પવનોએ હવે શહેરી વિસ્તારોમાં ઘરના ACને ‘આવશ્યક જરૂરિયાત’ બનાવી દીધી છે. વધતા તાપમાનના કારણે લોકોને એસી દુકાનો તરફ વળવાની ફરજ પડી છે.
વર્ષ 2024માં ગરમી રેકોર્ડ તોડી રહી છે. તેની અસર ACના વેચાણ પર જોવા મળી રહી છે. આ વર્ષે કાળઝાળ ગરમીને કારણે દેશભરમાં એર કંડિશનરની માંગમાં ભારે વધારો થયો છે. આના કારણે આ વર્ષે ACનું વેચાણ 1.4 કરોડ યુનિટના રેકોર્ડ સ્તરે રહેવાની શક્યતા છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સીસ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (સીઆઈઈએમએ)ના પ્રમુખ સુનીલ વાછાણીએ જણાવ્યું હતું કે મે મહિનામાં એસી ઈન્ડસ્ટ્રીમાં વેચાણ રેકોર્ડ સ્તરે હતું. આ ઉનાળાની સિઝનમાં વેચાણમાં 30 થી 40 ટકાનો વધારો થવાની સંભાવના છે.
AC બની ગયું છે ‘આવશ્યક જરૂરિયાત’
સમાચાર અનુસાર, વાછાણીએ કહ્યું કે વધતા તાપમાન અને ગરમ પવનોને કારણે હવે શહેરી વિસ્તારોમાં ઘરના એસી ‘આવશ્યક જરૂરિયાત’ બની ગયા છે. ભારતીય AC બજાર પણ ઓછા પાવર વપરાશના મોડલની મદદથી વિકસી રહ્યું છે, જે તમામ આવક જૂથો માટે યોગ્ય છે. સ્પેરપાર્ટ્સના સ્વદેશી ઉત્પાદન એકમોમાં કંપનીઓ દ્વારા રોકાણ પણ આમાં મદદ કરી રહ્યું છે. વાછાણીએ જણાવ્યું હતું કે બજારનો વિકાસ થતાં, અમે વાર્ષિક વેચાણ વોલ્યુમ આશરે 14 મિલિયન યુનિટ્સની અપેક્ષા રાખીએ છીએ, જે સેક્ટરના મજબૂત વિસ્તરણને દર્શાવે છે.
આ સિઝનમાં રેકોર્ડ તાપમાન નોંધાયું છે
ભારતીય રેસિડેન્શિયલ એસી માર્કેટ લગભગ 1.0 થી 1.11 કરોડ યુનિટ્સનું હોવાની અપેક્ષા છે. તેમાં વોલ્ટાસ, એલજી, હિટાચી જોન્સન, લોયડ, પેનાસોનિક, ડાઇકિન અને ગોદરેજ જેવી બ્રાન્ડનો સમાવેશ થાય છે. દેશમાં આ સિઝનમાં રેકોર્ડ તાપમાન નોંધાયું છે. આ સમયગાળા દરમિયાન, રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ-દિલ્હી સહિત કેટલાક સ્થળોએ પારો 45 ડિગ્રી સેલ્સિયસને પણ પાર કરી ગયો હતો.