રાજ્યભર માં રક્ષાબંધન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે ભાવનગર જિલ્લામાં આજે રક્ષાબંધનના પર્વના દિવસે જ ભાઈને રાખડી બાંધી પરત ફરી રહેલા બહેનને અકસ્માત નડતા કરૂણ મોત થયુ હોવાનો બનાવ બનતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
રક્ષાબંધનના ખુશીના તહેવારના દિવસે જ બહેનનું મોત થતા પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયુ છે.
પાલિતાણા તાલુકાના નવાગામ-બડેલી ગામે રહેતા દલપતભાઈ રાઠોડ અને તેમના પત્ની દેવુબેન આજે વહેલી સવારે પોતાના ઘરેથી મોટર સાયકલ પર રંધોળા ગામે રક્ષાબંધન પર્વ ના દીને ભાઈને ત્યાં રાખડી બાંધવા ગયા હતા અને ભાઈ ને રાખડી બાંધ્યા બાદ દંપત્તી પોતાના ગામ તરફ પરત થવા નીકળ્યા ત્યારે સિહોર-સોનગઢ હાઈવે પર ઈકો કારના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં દેવુબેનને ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું જ્યારે દલપતભાઈને ગંભીર ઈજાઓ થતા તેઓ ને સારવાર અર્થે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.ઘટના ની જાણ થતાં સોનગઢ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને મૃતક મહિલાની લાશનો કબ્જો લઈ પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક વાહન મુકી નાસી જતા તેની શોધખોળ હાથ ધરવામા આવી છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે જ બહેને પોતાના ભાઈ ને છેલ્લી રાખડી બાંધી વિદાય લેતા ભારે કલ્પાંત અને અરેરાટી નો માહોલ જોવા મળ્યો હતો.
