ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા માં આવેલ મોટી વાવડી ગામે પાદર માં આવેલા તળાવ માં ડૂબી જતાં બે સગા ભાઈઓ સહિત ચાર બાળકો ડૂબી જતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. વિગતો મુજબ, સૌરાષ્ટ્ર ના ગારિયાધારના મોટીવાવડી ગામના ચાર બાળકો જયેશ ભૂપતભાઈ કાકડિયા, મોન્ટુ હિંમતભાઈ ભેંડા, તરુણ શંભુભાઈ ખોખર અને મીત શંભુભાઈ ખોખર ગામના તળાવમાં નાહવા પડ્યા બાદ સાંજ પડતાં સુધીમાં આ બાળકો તેમના ઘરે ન આવતાં તેમના ઘરના સભ્યોએ બાળકોની શોધખોળ કરતા
તળાવના કાંઠે સાઇકલ તેમજ બાળકોનાં ચપ્પલ મળી આવતાં બાળકો ડૂબી જવાની શંકા જતાં ગ્રામજનો દ્વારા તળાવમાં તપાસ કરતા બાળકો ના મૃતદેહો મળી આવતા પરિવારજનો ના હૈયાફાટ રુદન ને લઈ વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં ગારિયાધાર ફાયર, મામલતદાર અને પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ મૃતક બાળકોમાંથી બે બાળકો સગા ભાઈઓ હતા અને આ તમામ ગામની સરકારી શાળામાં અભ્યાસ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે આ ચારેય બાળકો મૃતદેહોને પીએમ માટે ગારિયાધાર સીએચસી ખાતે લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ ગામ ના તળાવમાં થોડા દિવસ અગાઉ જ સૌની યોજના હેઠળના પાઇપલાઇન દ્વારા પાણી ભરવામાં આવ્યું હતું.
મૃતક બાળકો માં જયેશ ભૂપતભાઈ કાકડિયા (ઉં.વ.10), મોન્ટુ હિંમતભાઈ ભેંડા (ઉં.વ.11), તરુણ શંભુભાઈ ખોખાણી (ઉં.વ.11) અને મીત શંભુભાઈ ખોખાણી (ઉં.વ.12)નો સમાવેશ થાય છે. આ ચારેય માસૂમ બાળકો ના કરૂણ મોત થી સમગ્ર પંથક માં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
