ભરૂચ શહેરની રંગકૃપા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતાં મુળ ભાવનગરના જગદીશ સોલંકીએ બે માસુમ સંતાનો અને પત્નીની હત્યા કેમ કરી તેનું રહસ્ય હજી અકબંધ રહયું છે. આર્થિક સંકડામણ, દેવું કે અન્ય એવું કયું કારણ હતું કે તેણે આખા આખા પરિવારનો માળો પીખી નાંખ્યો. હેવાન બનેલા જગદીશે તેની સાત મહિનાની પુત્રીને ઘોડીયામાં, પુત્રને પલંગમાં અને પત્નીને રસોડામાં જ ગળા પર ચપ્પુ જેવું તીક્ષણ હથિયાર ફેરવી દીધું હતું.
3 વર્ષનો પુત્ર બાલમંદિર જાય તે પહેલાં દુનિયામાંથી રજા આપી દીધી
સોમવારે બપોરના સમયે બંધ મકાનમાં ખેલાયેલાં ખુની ખેલના અનેક રહસ્યો અકબંધ રહયાં છે. પોલીસ તેના નજીકના મિત્રો અને સ્વજનોની પૂછપરછ કરી કોયડો ઉકેલવામાં લાગી છે. સ્થાનિક રહીશોનો જણાવ્યા અનુસાર સોલંકી પરિવાર ખાસ ઘરની બહાર નીકળતો ન હતો. ભરૂચ શહેરની રંગકૃપા સોસાયટીમાં બનેલી ત્રેવડા હત્યાકાંડની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. મુુળ ભાવનગરનો જગદીશ સોલંકી ભાડાના મકાનમાં પત્ની વંદના, પુત્ર વેદાંત અને પુત્રી રુપાલી સાથે રહેતો હતો.