ભરૂચ નજીક નેત્રંગ-રાજપીપળા રોડ ઉપર વાંદરવેલી ગામ નજીક સર્જાયેલા અકસ્માત ને લઈ ભારે અરેરાટી ફેલાઈ છે.અજાણ્યા વાહને ઇકો કારને અડફેટે લેતા કાર ખાઈમાં ખાબકતા ગંભીર ઇજા પામેલા ત્રણ યુવતીઓ સહિત પાંચ લોકોના કરૂણ મોત થઈ ગયા છે.
વિગતો મુજબ નેત્રંગ તાલુકાનાં પેટીયા ગામમાં વતની દિલિપ વસાવા તેમની ઈકો કાર નંબર-જી.જે.16.સી.બી.7840 લઈ ઝઘડીયા જી.આઈ.ડી.સી.માં આવેલ બ્રિટાનિયા કંપનીમાંથી કામદારોને લઈ નેત્રંગથી મોવી તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન વાંદરવેલી ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે કારને ટક્કર મારતા કાર ખાઈ માં ખાબકતા સર્જાયેલા અકસ્માત ને પગલે કારમાં અંદાજે 12 જેટલા પેસેન્જરો ની ચિચિયારીઓ અને મદદ માટેની બુમોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.પરિણામે લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દરમ્યાન108 એમ્બ્યુલન્સ તથા પોલીસ વિભાગને જાણ કરતા કાફલો સ્થળ ઉપર દોડી ગયો હતો. અકસ્માતમાં બિલાઠા ગામની 23 વર્ષીય ચંદ્રીકાબેન હરેશભાઈ વસાવાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. જ્યારે કારમાં સવાર અન્ય મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે રાજપીપળા તેમજ નેત્રંગ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી રાજપીપળા ખાતે સારવાર લઇ રહેલ સોનિકા ખેતુરભાઈ વસાવા ઉ.વ. 22, રહે. મોવી, પ્રવિણાબેન જેઠાભાઈ વસાવા ઉ.વ. 18 રહે. મોવી, અને જ્યોત્સનાબેન ચુનીલાલ વસાવા, ઉ.વ. 18, રહે. બંસી, તથા કીરત વસાવા ઉ.વ. 22 રહે. પેટીયાનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નીપજયું હતું. આ ઘટના ને લઈ ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.
