ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
કેમિકલયુક્ત પાણી પીવાના કારણે ઊંટના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,વાગરા તાલુકાના ચાંચવેલ ગામની સીમમાં 25 જેટલા ઊંટના મોત નિપજ્યા હોવાની જાણ થતાં મીડિયા ટીમ ઘટના સ્થળે પોહચી હતી. બનાવ અંગે પૂછતાં માલધારી રહેમાનઅલ્લારખાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે તા. 21 મી મેં ના રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં તેઓ પોતાના અંદાજીત 75 ઊંટને લઈને ચાંચવેલ ગામ તળાવ ખાતે પાણી પીવડાવવા માટે જઈ રહ્યા તે સમયે ચાંચવેલ ગામની સીમમાં ખુલ્લામાં કેમિકલ ઢોળાયેલું હતું.
કેમિકલ વાળા પાણીથી 30 જેટલા ઊંટ તડપી તડપીને મોતને ભેટ્યા હતા. માલધારી રહેમાન ભાઈએ જણાવ્યું કે, આ કેમિકલ ONGCની લાઈનમાંથી લીકેજ થયું છે. જેના કારણે મારા 30 જેટલા ઊંટ મોતને ભેટ્યા છે.
અંદાજીત 15 લાખથી વધુનું નુકસાન થતા માલધારી રહેમાન ભાઈના માથે આભ તૂટી પડ્યું છે. હજી પણ કેટલાક ઊંટ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહયા છે આ ગંભીર ઘટના બનવા છતાં કલાકો સુધી તંત્ર વાહકો સ્થળ ઉપર ફરકયા ન હતા.
