સુપરહીરો જોવા મળી જાય તો..? સુરતમાં ૬૬ વર્ષની વયના એક એવા સુપરહીરો વસે છે, જે વર્ષ ૨૦૦૧ થી આજ સુધી મહામૂલા પાણીને બચાવવા માટે મોં માં આંગળા નાખી જઈએ એવું જળસંચયનું કાર્ય કરી રહ્યા છે. પર્વત કાપીને રસ્તો બનાવનાર બિહારના માઉન્ટનમેન પ્રખ્યાત થઈ ગયા તેવી જ રીતે પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ જળસંચય માટે ખર્ચી નાખનાર આ અલગારી ઉદ્યોગપતિ ગુજરાતના રિવરમેન તરીકે ખ્યાતનામ બન્યા છે.
આ વાત છે મુળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાનાં ઇંગોરાળા(ઠેસિયા) ગામના વતની અને સુરતને પોતાની કર્મભૂમિ બનાવી ડાયમંડ બિઝનેસમાં ધનાઢ્ય બન્યા પછી પોતાની કમાણીને સમાજનું ઋણ સમજી લોકોપયોગી કાર્યમાં વાપરવાનો નિર્ણય કરનાર જેરામભાઇ પરશોતમભાઇ ઠેસીયાની.
રાજ્ય સરકારે આવનારા દિવસોમાં પાણી પહેલા જ પાળ બાંધતા જળની અછતને પહોંચી વળવા ૧લી મે થી ૩૧ મે સુધી રાજ્યભરમાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ દ્વારા ગુજરાતને જળસમૃદ્ધ બનાવવાનું બીડું ઉઠાવ્યું છે, ત્યારે આ અવસરે વર્ષોથી જળસંચયની પ્રવૃત્તિને પોતાના જીવનનો એક ભાગ બનાવી દેનાર અને જળસંવર્ધન માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર રિવરમેન જેરામભાઈ યાદ આવ્યા વિના ન રહે.
પોતાના વતન ઈંગોરાળામાં ૨૫ કરોડના ખર્ચે મૃત:પ્રાય બનેલી ઠેબી નદીને ઊંડી અને પહોળી કરવામાં અને ખરાબાની સરકારી જગ્યા પર સંખ્યાબંધ ડેમો બનાવીને પાણીને વહી જતું અટકાવી સૌરાષ્ટ્રમાં નામના મેળવનાર અનોખી સમાજસેવાના ભેખધારી વયોવૃદ્ધ જે.પી.દાદા હવે દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના અંતરિયાળ એવાં નેત્રંગ તાલુકાના ઝરણા ગામની કીમ નદીને સ્વખર્ચે પહોળી અને ઊંડી ઉતારવાનું કાર્ય કરી રહ્યા છે, અને એ પણ કોઈના આર્થિક સહયોગ કે સરકારી સહાય વિના..! સાથોસાથ જળ સંગ્રહક્ષમતા વધે તે માટે આ સ્થળે કીમ નદી પર હયાત ચેક ડેમને પણ ઉંચો બનાવી રહ્યા છે. આસપાસના વિસ્તારને હરિયાળો બનાવવા જેરામભાઈ દિનરાત મહેનત કરી રહ્યા છે. આસપાસના ખેડૂતો તળાવ ઊંડું ઉતારતાં સફેદ લિબાસમાં સજ્જ જે.પી.દાદા ફરિશ્તાના રૂપમાં આવ્યા હોય એવું અનુભવી રહ્યા છે. કારણ કે તેમના આ કાર્યથી પાણીના તળ ઊંચા આવતાં સિંચાઈનું પાણી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થશે.
જે.પી.દાદા ઝરણામાં નદીને ઊંડી ઉતારવાનું આ કાર્ય બે હિટાચી, ત્રણ ડમ્પર(ટ્રક) અને ૪ ડ્રાઈવર સહિત ૧૧ વ્યક્તિઓની ટીમ દ્વારા છેલ્લા એક મહિનાથી કરી રહ્યા છે. આ ઉપરાંત પોતાની કર્મભૂમિ સુરતમાં પણ સુજલામ સુફલામ જળસંચય અભિયાન હેઠળ સુરત મહાનગરપાલિકાની તાપી શુધ્ધિકરણ ઝુંબેશમાં જોડાઈ એક હિટાચી મશીન તાપીની જળકુંભી કાઢવા માટે આપ્યું છે. જેનું કોઈ ભાડું પણ લેતા નથી, તેમણે પાલિકાને આ મશીન તંત્ર ઈચ્છે ત્યાં સુધી ઉપયોગમાં લેવાની છૂટ આપી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ગત તા.૨૦મી મે ના રોજ સુરત મુલાકાત દરમિયાન સરથાણા ખાતે તાપી શુધ્ધિકરણ અભિયાનમાં જોડાયા હતાં, જ્યાં તેઓ જે.પી.દાદાના નિ:સ્વાર્થ સેવાકાર્યને નિહાળી પ્રભાવિત થયા હતા. જળસંચયમાં તેમના ઉમદા સહયોગ બદલ સન્માનિત કરી પીઠ થાબડી હતી.
આવા સમાજના સાચુકલાં સુપર હીરો જે.પી.દાદાની ઝરણા ગામે ચાલતી જળસંચયના કાર્યની સુરત માહિતી વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી ત્યારે તેઓ ધોમધખતાં તડકામાં યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે હિટાચી મશીનના ઓપરેટરને તળાવના ખોદકામની સૂચનાઓ આપી રહ્યા હતા. હાથનું નેજવું કરીને સમગ્ર નદીના પટને નિરખી રહ્યા હતા. જાણે કે આવતાં ચોમાસામાં છલોછલ ભરેલા પાણીથી હિલોળા લેતા તળાવનું દ્રશ્ય જોઈ રહ્યા હોય.
જે.પી.દાદા તેમના આ પ્રયાસ અંગે વિગતવાર કહે છે કે, ‘નેત્રંગ તાલુકો ભરૂચ જિલ્લાનો બહુધા આદિજાતિ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહી પીવાના પાણીની અને સિંચાઈની સમસ્યા વર્ષોજૂની છે. કીમ નદીને ઊંડી ઉતારી ચેક ડેમ બનાવી જળસંચય થકી આ વિસ્તારની પાણીની સમસ્યા હલ થઇ શકે છે. તેથી અહી કીમ નદી પર બે સ્થળે પાણી રોકવાનું આયોજન કર્યું છે. અહી બનનારા બે તળાવમાં ૧૧ કરોડ ૮૮ લાખ લીટર જળનો સંગ્રહ થશે. પરિણામે આસપાસના ૧૦ ગામો પરથી દુષ્કાળનો ઓછાયો હંમેશ માટે દૂર થઇ જશે, અને આ વિસ્તાર હર્યોભર્યો તો બનશે જ, સાથે ગામની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ પણ આવશે.’
અહીના સ્થાનિક ખેડૂત ચકુભાઈ રામોલિયા જે.પી.દાદાની પ્રવૃત્તિને વખાણતાં કહે છે કે, ‘આદિવાસી વિસ્તારને જળસંચય માટેના કાર્ય માટે પસંદ કરીને તેઓ આ વિસ્તારની કાયપલટ કરવા ઈચ્છે છે. અહી તળાવમાં પાણીનો સંગ્રહ થતાં અમને કોઈ પણ પ્રકારના નાણાકીય રોકાણ વિના ખેતીમાં અનેકગણો ફાયદો થશે. જયારે ઝરણા ગામના અન્ય એક યુવાન રવિભાઈ મિસ્ત્રી કહે છે કે, જે.પી.દાદાના જળસંચયના કાર્યમાં ગ્રામજનોનો ખૂબ સાથ સહકાર મળ્યો છે. તેઓ આ કાર્ય માટે ગામના કોઈ પણ વ્યક્તિ પાસે નાણાકીય સહયોગ લેવા ઈચ્છતા નથી. પણ સ્વખર્ચે કીમ નદીને ઊંડી અને પહોળી કરી રહ્યા છે.
જેરામભાઈ જળ સંચયની પ્રવૃત્તિ વર્ષ ૨૦૦૧થી કરી રહ્યા છે. તેમના મશીનને સમાજનો કોઈ પણ વર્ગ વગર ભાડે લઇ જઈને પોતાના ગામમાં તળાવ બનાવી શકે છે. જો કોઈ સંસ્થા કે ગ્રામ પંચાયત પોતાના ગામમાં ચેકડેમ, તળાવ કે નદી ઊંડા ઉતારવા માટે પ્રોજેક્ટ લઈને આવે તો જેરામદાદા ‘તમારું જ મશીન છે બાપલ્યા.. લઇ જાવ..પણ ડ્રાઈવરને સાચવજો હો..! અને કાંઈ તકલીફ થાય તો કેજો..હો..!’ એમ કહી સહર્ષ પોતાના હિટાચી, જે.સી.બી. મશીનો અને ડમ્પરોની સાથે હિટાચી ચલાવવા ઓપરેટર(ડ્રાઈવર)નિઃશુલ્ક સેવાઓ પૂરી પાડે છે. માત્ર ડિઝલનો ખર્ચ સંસ્થાએ ભોગવવાનો. ના કોઈ ભાડું, કે ના કોઈ શરત. સંસ્થા કે ગામના લોકો નદી કે તળાવનો નકશો બતાવીને સલાહ માંગે તો એક અનુભવી આર્કિટેક્ટની માફક કયા સ્થળે ખોદકામ કરવાથી વધુ પાણીનો સંગ્રહ થાય એનો સચોટ પ્લાન પણ આપે. ક્યારેક જે-તે ગામમાં જઈ સ્થળ પર જ પ્લાન સમજાવી દિશા-નિર્દેશ આપે.
જેમ સુથારનું મન લાકડામાં, લુહારનું મન લોખંડમાં, દરજીનું મન કાપડમાં હોય તે જ રીતે જેરામભાઈ ખરાબાની જમીન કે નદી-તળાવ-નાળું જુએ કે તરત એમનો ચહેરો ચમકી ઉઠે છે. જળસંવર્ધન એમની પ્રિય પ્રવૃત્તિ અને શોખ છે. તેઓ કહે છે કે, ‘ક્યાય પણ તળાવ કે નદી જોઉં ત્યાં મારું મન ખેંચીને લઇ જાય, ચાલતો જાઉ અને પ્લાન ઘડાતો જાય. તેઓ દ્રઢતાથી કહે છે કે જ્યાં સુધી મારો શ્વાસ ચાલતો રહેશે ત્યાં સુધી જળસંવર્ધનનું આ કાર્ય કરતો રહીશ. મારૂ અને સરકારનું ધ્યેય એક જ છે,-વરસાદી પાણીને કોઈ પણ પ્રકારે ભોયમાં ભંડારવું. જો સરકારનો સાથ મળે તો એક સાથે ૫૦ હિટાચી મશીન ખરીદવાની મારી તૈયારી છે. સરકારનો સહયોગ અને મારા નાણાથી હું ગુજરાતને હરિયાળું બનાવી શકું છું એવો મને મારી જાત પર વિશ્વાસ છે એમ તેઓ આત્મવિશ્વાસપૂર્વક જણાવે છે.
સુરતના આ સેવામૂર્તિ જેરામભાઇનો જન્મ તા.૧૪/૧૨/૧૯૫૨ ના રોજ સૌરાષ્ટ્રના બાબરા તાલુકાના નાનકડાં એવાં ઇંગોરાળા ગામમાં થયો હતો. ઉત્તર બુનિયાદી શાળામાંથી માત્ર પાંચ ચોપડીનો અભ્યાસ કરનાર જેરામભાઇનો જુસ્સો અને ખંત એવાં જબરા હતા કે રોજગારી માટે તેઓ વતન ઇંગોરાળાથી સુરત આવીને એક કારખાનામાં માસિક રૂપિયા ૨૫૦ના પગારથી હીરા ઘસવા લાગ્યા. બચાવેલી મૂડીથી ૧૯૮૮માં તેમણે તેમના અને તેમની પત્ની જયાબેનના નામે જે.જે.એક્સપોર્ટ નામથી ડાયમંડ કંપની શરૂ કરી. જેમાં લક્ષ્મીજીએ તેમના ઉપર ખૂબ મહેર કરી.
અને એ પછીની તેમની જીવનયાત્રા પોતાના જ શબ્દોમાં વર્ણવતા કહે છે કે :, ‘મારી સંપત્તિને હું ઈશ્વરની આપેલી ભેટ ગણું છું. જે સમાજ પાસેથી આ સંપત્તિ અર્જિત કરી છે એ સમાજનું ઋણ કઈ રીતે ચૂકવવું.? મનમાં અચાનક એક ઝબકારો થયો અને સૌરાષ્ટ્રમાં પાણીની વિકરાળ સમસ્યા તેમજ ઊંડા જઇ રહેલાં ભૂગર્ભ જળની સ્થિતિ મારા માનસપટ પર છવાઇ. વતન ઈંગોરાળા ગામમાં હયાત ચેકડેમ, તળાવો, જળાશયોને ઊંડા ઉતારવામાં આવે તો વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઇ શકે. આસપાસના ૨૦ જેટલા ગામોના ખેડૂતોને ખેતીમાં મોટો ફાયદો થઇ શકે. અને વર્ષ ૨૦૦૧માં જળસંચયની યોજનાના બીજ રોપાયા.’
પાણીને રોકવામાં આવે તો જ ભૂતળના જળ ઊંચા આવી શકે એ વિચારને અમલી બનાવવા તેમણે જાતને જોતરી દીધી. અને આજની ઘડી ને કાલનો દિ’. જેરામદાદાએ આ સંકલ્પને પૂર્ણ કરવા અઢી કરોડના સ્વખર્ચે ૪ ડમ્પર અને ૪ હિટાચી ખરીદ્યા અને કામ ચાલુ કર્યું. એ સમયે તેમનો નદીને ઊંડી ઉતારવાનો એક દિવસનો ડિઝલનો ખર્ચ આશરે પાંચ લાખ રૂપિયા હતો..! આ કાર્ય વણથંભ્યું ચાલુ રહે એ માટે રાત અને દિવસ પાળી પ્રમાણે ૨૨ ડ્રાઈવર રાખ્યા હતા. રસોઈ બનાવવા માટે અલગ એક મહારાજ પણ રાખ્યા હતા. જે.પી.દાદાનું આ ભગીરથ કાર્ય જોવા ગામેગામના લોકો આવતાં, જેમને પણ તેઓ જમાડ્યાં વગર પરત જવા દેતા નહિ એવો તેમનો આતિથ્યભાવ હતો. રસોડે દરરોજ ૧૫૦ માણસોની રસોઈ બનતી. આખરે ૧૧ મહિનાની અવિરત મહેનતથી ૧૩ કિલોમીટર લંબાઈમાં ઠેબી નદી ૭૦૦ ફૂટ પહોળી અને ૧૫ ફૂટ ઊંડી કરવાનું મહાભગીરથ કાર્ય સંપન્ન થયું.
જળસંચયના આ મહાયજ્ઞની ફલશ્રુતિરૂપે આજે જે તળાવ બન્યું છે તેમાં ૬૦૦ કરોડ ૬૦ લાખ લિટર પાણી રોકી શકાયુ છે. અને આ માટે તેઓ સ્વખર્ચે હિટાચી-જેસીબી જેવા મહાકાય મશીનો અને ડમ્પરોની વસાવી કુલ રૂ.રપ કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચુકયા છે.
વતનમાં આ કાર્યથી સંતુષ્ટ જેરામભાઈ કહે છે કે, મારા જળ સંચયના આ કાર્યથી આસપાસના ૨૫ ગામોના ખેડૂતોનું દર વર્ષે અંદાજીત રૂ.૨૫૦ કરોડનું ખેતઉત્પાદન વધ્યું છે. એકવાર બાજુના નાની વાવડી ગામના એક ખેડૂત મળવા આવ્યાં અને જણાવ્યું કે તમે રોકેલા પાણીથી અમારા ગામના ૧૮ નિષ્ક્રિય બોરવેલ સજીવન થયા છે. જે બોરમાં ફરી ક્યારેય પાણી આવવાની આશા જ નહોતી ત્યાં આજે તમામ બોરમાં ૨૪ કલાક મોટર ચલાવીએ તો પણ પાણી ડૂકો દેતું નથી. (ખૂટતું નથી).
વતનનું ઋણ અદા કરવા જેરામદાદાએ ઈંગોરાળા ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળા બાંધવા માટે ગામના પાદરમાં આવેલી ૫ કરોડના મૂલ્યની ૫ વિઘા જમીન દાનમાં આપી દીધી. જેથી ગ્રામજનોએ જેરામદાદાની દિલાવરીને વધાવવા માટે તેમનું હાથીની અંબાડી પર બેસાડીને ભવ્ય સ્વાગત કર્યું હતું. લોકો તેમને રિવરમેન, જે.પી.દાદા, ભામાશા જેવા હૂલામણા નામે પણ સંબોધન કરીને નવાજે છે.
તેમના સુશીલ પત્ની જયાબહેન પતિના દરેક સેવાકાર્યોમાં હરહંમેશ પડછાયાની જેમ ઊભા રહે છે. પતિના સૂરમાં સૂર પુરાવતાં તેઓ કહે છે કે, ‘પાણીના પાંચ પુણ્ય, છાશના સો, અન્નના અનેક છે, જો મન કોચવાય નહિ તો..”’ કોઈને પાણી પાઈએ તો પાંચ અને છાશ પાઈએ તો સો પૂણ્ય મળે છે, પરંતુ ભૂખ્યાંને ભોજન-અન્નનું દાન કરવામાં આવે તો અનેક પૂણ્ય મળે છે, પણ દાન કરતી વખતે મન પાછું ન પડવું જોઈએ, હ્રદયમાં દુર્ભાવ ન હોવો જોઈએ. સમાજ, ધર્મ, અને શિક્ષણના ભલા માટે વપરાતી લક્ષ્મી ક્યારેય ઘટવાની નથી, ઉલ્ટું સદકાર્યમાં વપરાતી લક્ષ્મીને ભગવાન બમણી કરીને પાછી આપે છે. ઈશ્વરે અમને જે કઈ આપ્યું છે એને સમાજ માટે ઉપયોગ કરવામાં અમને આત્મસંતોષ પ્રાપ્ત થાય છે.’ આવા ઉદ્દાત્ત વિચારો ધરાવતા પત્ની જયાબહેન પતિ જેરામભાઈના ચીલે ચાલીને તેમના દરેક સેવા કાર્યમાં સાચા અર્થમાં સહધર્મચારીણિ બની રહ્યા છે.
ઠેસીયા દંપતિએ આસપાસના ૪૦ ગામોમાં હિટાચી વાપરવા આપીને અનેક તળાવો ઊંડા કરાવ્યા છે. અત્યારે પણ સૌરાષ્ટ્રના ૧૩ ગામોમાં તેમના આ મશીનો તળાવ ઊંડા ઉતારવા ધમધમી રહ્યા છે. ઠેસિયા દંપતિ સુરતની ૬૦૦ દીકરીઓને રૂા. ૧૦,૦૦૦ના બોન્ડ તેમજ ૬પ૦ સગર્ભા સ્ત્રીઓનો પ્રસુતિ ખર્ચ આપી ચૂક્યા છે. જળસંચયના ક્ષેત્ર સિવાય પણ આવી અનેકવિધ સેવાપ્રવૃતિઓ કરી રહેલા જેરામભાઈની આ સેવાભાવનાની દેશના અનેક મહાનુભાવો, સંસ્થાઓ, મીડિયા અને સરકાર દ્વારા પણ સમયાંતરે નોંધ લેવામાં આવી છે. પૂર્વ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ સહિત રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ અને રાજ્યપાલશ્રી ઓ.પી. કોહલી પણ તેમના કાર્યની નોંધ લઇ બિરદાવી ચૂક્યા છે. ઇઝરાયેલમાં જળસંચય અને ડ્રીપ ઈરીગેશનના અભ્યાસ માટે પ્રવાસ ઉપરાંત જે.પી.દાદાએ અત્યાર સુધીમાં ૧૫૦ થી વધુ દેશોની મુલાકાત લીધી છે.
જે.પી.દાદા સ્પષ્ટપણે જણાવે છે કે, ‘આ વિશ્વમાં બધું જ શક્ય છે, પણ દુનિયાની કોઈ એવી પ્રયોગશાળા નથી કે જે લોહી અને પાણી બનાવી શકે. પાણી એ મોટાભાગની સમસ્યાનો કાયમી ઉકેલ છે. ભારતમાં ભૂતળના પાણી ખલાસ થઇ રહ્યા છે, ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્ર, તેલંગાણા, કર્ણાટક અને તામિલનાડુમાં એક હજારથી બે હજાર ફૂટ ઊંડા બોર બની રહ્યા છે. પાણીની ખોજ માટે ધરતીના પેટાળને માનવી ચાળણી બનાવી રહ્યો છે. ભવિષ્યમાં પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની છે, વરસાદી પાણીને દરિયામાં વહી જતું અટકાવવું તેમાં જ આ સમસ્યાનું એકમાત્ર નિવારણ છે.’
જેરામભાઈ જાહેરમાં એક અનોખો સંકલ્પ લઈને પોતાની તમામ સંપત્તિ રાષ્ટ્ર અને સમાજના હિત માટે અર્પણ કરવાના સંકલ્પ અને જાહેરાત કરી ચૂક્યા છે, જે આ મુજબ છે:
‘હું સંકલ્પ કરું છુ કે વ્યવસાય કરવા માટે સમર્થ છું ત્યાં સુધી ધંધામાં જેટલો પણ નફો થશે તે હું સમાજ
માટે વાપરીશ, અને વ્યવસાય કરવા માટે અસમર્થ બન્યા પછી પણ મારી મિલકત, મૂડી વેચીને પણ સમાજસેવા કરીશ. મારી મૂડી સમાજ અને સમાજસેવા માટે જ છે.’






