થાણેઃ કહેવત છે કે ‘ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ’. રાતોરાજ લોકો કરોડપતિ બની જતા હોય છે. ત્યારે આવું જ કંઈક મહારાષ્ટ્રના એક યુવક સાથે બન્યું હતું. થાણેમાં રહેતો યુવક હોસ્પિટલમાંથી કોરોનાને મ્હાત આપીને ઘરે આવ્યો ત્યારે કરોડપતિ બની ગયો હતો. હોસ્પિટલમાંથી ઘરે આવતાની સાથે તેને પાંચ કરોડની લોટરીના સમાચાર મળ્યા હતા. ગયા વર્ષે થયેલા લૉકડાઉનમાં તેના ધંધામાં ઘણું નુકશાન વેઠ્યા બાદ આ યુવાનની આર્થિક સ્થિતિ કથળી હતી. જે બાદ તેને કોરોના થયો હતો. કદાચ ઈશ્વર પરીક્ષણ લઇ રહ્યો હતો, જેમાં સફળ થયા પછી, તેને ઇનામ પણ મળ્યું.
આ નસીબદાર યુવકનું નામ રાજકાંત પાટિલ છે. રાજકાંત મહારાષ્ટ્રના થાણેમાં રહે છે. કોરોનાકાળ પહેલા તેનો સારો વ્યવસાય હતો. પરંતુ કોરોનાએ બધુ નાશ કરી દીધું. આર્થિક રીતે તૂટ્યા બાદ તે માનસિક રીતે પણ પરેશાન હતો. ઘરમાં માતા, પત્ની અને બે બાળકો હતાં.
તાજેતરમાં જ તેને કોરોના પણ થયો હતો. જેના કારણે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી પાછા ફર્યા બાદ તેમને આ ખુશખબર મળી જે પહેલા તો રાજકાંતને મજાક લાગતો હતો.
રાજકાંત કહે છે કે, તેણે બે મહિના પહેલા પંજાબ લોટરીની દસ ટિકિટ અને પાંચસો રૂપિયાની બે લોટરી ખરીદી હતી. તે સમયે, તે હતાશાની લાગણી અનુભવી રહ્યો હતો, ધંધામાં કાંઇ જામતું ન હતું, પરિવારના સભ્યો પરેશાન હતા. આ કારણોસર રાજકાંતે કોઇક કરિશ્માની આશામાં લોટરી ખરીદી હતી, પરંતુ પછી તેને કોરોનાનું સંક્રમણ થયું હતું. જે બાદ તે હૉસ્પિટલમાં આ બધું ભૂલી ગયો હતો.
પરંતુ જ્યારે તે હૉસ્પિટલમાંથી સાજો થઈને ઘરે પરત આવ્યો ત્યારે તેમને પાંચ કરોડની લોટરી જીત્યાનો ફોન આવ્યો હતો. રાજકાંતને લાગ્યું કે, કોઈ મજાક કરી રહ્યું છે. પરંતુ જ્યારે તેને ફરીથી ફોન આવ્યો ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો.
તેમની પાંચસો રૂપિયાની લોટરીને પાંચ કરોડનું ઇનામ લાગ્યું હતું. રાજકાંત કહે છે કે, તેમના પરિવારે સારું કામ કર્યું હશે, જેને આટલો મોટો એવોર્ડ મળ્યો. તેઓ આ પૈસાથી ફરીથી તેમનો વ્યવસાય ઉભો કરશે.