આગ્રાઃ કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે ઠેરઠેર કરુણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એમ્બ્યુલન્સની પણ અછત છે. એટલું જ નહીં, કોરોનાને કારણે થઈ રહેલા ટપોટપ મોત બાદ સ્મશાન ખાતે પણ અંતિમ સંસ્કાર માટે લાંબી રાહ જોવી પડી રહી છે. આ દરમિયાન આગ્રામાં વધુ એક કરુણ તસવીર સામે આવી છે. આ તસવીરે બધાને ભાવુક કરી દીધા છે. સાથે સાથે આ તસવીરે તંત્રની પણ પોલ ખોલી નાખી છે.
હકીકતમાં પિતાના મોત બાદ એક વ્યક્તિને મૃતદેહને સ્મશાને લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. જે બાદમાં વ્યક્તિએ પિતાના મૃતદેહને પોતાની કારની છત પર બાંધી દીધો હતો અને સ્મશાન ખાતે પહોંચ્યો હતો. આ ઘટનાને જેણે પણ નજરે જોઈ તેઓ ભાવુક થઈ ગયા હતા.
કોરનાકાળમાં સ્મશાન ખાતે પણ અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ ચાલી રહ્યું છે. પિતાના મૃતદેહને કારની છત પર બાંધીને સ્મશાનઘાટ પહોંચેલા વ્યક્તિએ પણ આ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. થોડા સમય પછી જ્યારે વારો આવ્યો ત્યારે દીકરાએ પિતાના મૃતદેહને કારની છત પરથી ઉતારીને અંતિમ સંસ્કાર કર્યાં હતાં. આ દરમિયાન હાજર લોકોની આંખમાંથી આંસુ છલકાયા હતા.
ઉલ્લેખનીય છે કે આગ્રા ઉત્તર પ્રદેશના એ શહેરમાં શામેલ છે જ્યાં કોરોના વાયરસ ખૂબ જ બેકાબૂ બની ગયો છે. આ કારણે દરરોજ અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે.