રતલામઃ સામાન્ય રીતે કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય ત્યારે આપણે તેને હેપ્પી બર્થડે કહીને શુભેચ્છા પાછવતા હોઈએ છીએ. ત્યારે સામેની વ્યક્તિ આભાર કહીને વળતો જવાબ આપે છે. પરંતુ રતલામમાં એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વકીલે મહિલા ન્યાયાધીશના જન્મદિવસ ઉપર હેપ્પી બર્થડે કહીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વકીલે મહિલા જજને ઇમેઇલ કરીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે, શુભેચ્છાની સામે વકીલને 20 દિવસની જેલની સજા થઈ હતી. આ મામલો મધ્ય પ્રદેશની ઇન્દોર કોર્ટમાં પહોંચ્યો છે. જ્યાં વકીલની જામીન અરજી ઉપર સુનાવણી થશે.
આ મામલો રતલામ જિલ્લા કોર્ટમાં વકીલાત કરી રહેલા એક વકીલનો છે. રતલામમાં એક મહિલા ન્યાયાધીશનો જાન્યુઆરીમાં જન્મદિવસ હતો. વકીલે તેમને શુભકામના આપવા માટે રાતના 1.11 વાગ્યે ન્યાયાધીશના સરકારની મેલ પર હેપ્પી બર્થ ડેનો મેસેજ પોસ્ટ કર્યો હતો.
તેમણે જજ સાહિબાનો ફેસબુક અકાઉન્ટમાંથી પ્રોફાઈલ ફોટો ડાઉનલોડ કરીને તેને ગ્રિટીંગ તરીકે પોસ્ટ કર્યો હતો.આવી રીતે જન્મદિવસની શુભકામના આપવાનું જજ સાહિબાને પસંદ ન આવતા તેમણે રતલામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે વકીલ વિરુદ્ધ છેતરપીંડી સહિત આઈટી એક્ટની બે કલમો હેઠળ ફરિયાદ નોંધી 9 ફેબ્રુઆરીના રોજ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી લઈને તેઓ જેલમાં બંધ છે. તેમણે જામીન માટે ન્યાયાધીશ સમક્ષ આજીજી પણ કરી, પણ ત્યાંથી રાહત ન મળતા તેઓ હાઈકોર્ટમાં પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મહિલા જજને શુભેચ્છા પાઠવવા સામે વકીલને જેલમાં જવાનો વારો આવ્યો છે ત્યારે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.