ગયા: બિહારના ગયામાં એક બાળકે પોતાના શોખ પૂરા કરવા માટે એક સંબંધીના ઘરમાં ઘૂસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. સગીર બાળકને બીજી કોઈ વસ્તુનો શોખ નહોતો પરંતુ મોંઘો મોબાઇલ રાખવાનો શોખ હતો, જેને લઈને બાળકે અનેક દિવસોથી બંધ પડેલા પોતાના પડોશીના ઘરમાં ઘૂસીને કબાટમાં રાખેલા દોઢ લાખ રૂપિયા રોકડની ચોરી કરી દીધી. બીજી તરફ પોલીસે આ મામલાને ઉકેલી દીધો છે અને સગીરના ઘરમાં છુપાવીને રાખેલા 78 હજાર રોકડ જપ્ત કરી દીધા છે.
ગયા પોલીસે જણાવ્યું કે, સગીરે 20 હજાર રૂપિયાનો મોંઘો મોબાઇલ ખરીદ્યો હતો અને અન્ય નાણાની જપ્તી માટે પણ તપાસ કરી રહી છે. જોકે તેનો ખુલાસો તે સમયે થયો જ્યારે સગીર ચોર ઘરની બાજુમાં જ આવેલી સ્કૂલના બાળકોને 1-1 રૂપિયાનો નોટ વહેંચી રહ્યો હતો.
જ્યારે તેની જાણકારી પોલીસને મળી તો તેણે પીડિત મકાન માલિક પાસેથી જાણકારી લીધી તો જાણવા મળ્યું કે ચોરી કરવામાં આવેલા પૈસામાં એક-એક રૂપિયાની નોટનું બંડલ પણ હતું. ત્યારબાદ પોલીસે તે સગીર બાળકને ઝડપીને પૂછપરછ કરી તો તેણે ચોરીની ઘટનાની વાત કબૂલી દીધી.
બોધગયાના એસડીપીઓએ જણાવ્યું કે, મામલાની તપાસ દરમિયાન પોલીસને સૂચના મળી કે ફરિયાદીના પડોશમાં રહેતા સંબંધીના 16 વર્ષીય પુત્ર સ્કૂલની પાસે કેટલાક બાળકોને એક-એક રૂપિયાની નોટ વહેંચી રહ્યો છે. તે વાત સાંભળી પોલીસ ચોંકી ગઈ હતી.
ત્યારબાદ પીડિત પંકજ પાંડેય પાસેથી જાણકારી લીધી તો માહિતી મળી કે તેમના કબાટમાં ઘણા સમયથી એક રૂપિયાનું બંડલ રાખ્યું હતું. ત્યારબાદ કેટલાક ગ્રામ લોકો સાથે પૂછપરછ કરવામાં આવી. ત્યારે જાણવા મળ્યું કે તે પડોશી બાળકની કરતૂત છે. પોલીસે તેની પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવી ગયો.
તેઓએ જણાવ્યું કે, સગીરે પોતાનો ગુનો કબૂલ કરતાં જણાવ્યું કે, તેને મોબાઇલ ખરીદવો હતો, પરંતુ તેની પાસે પૈસા નહોતા. ત્યારબાદ તેણે થોડાક દિવસથી બંધ પડેલા પંકજ પાંડેયના ઘરમાં ચોરીનો પ્લાન બનાવ્યો. તેણે જણાવ્યું કે તે વેન્ટિલેશનમાંથી ઘરની અંદર ઘૂસ્યો.
કબાટને તોડીને તેમાં રાખેલા લગભગ દોઢ લાખ રૂપિયા ઉઠાવી દીધા. ત્યારબાદ ચોરીના પૈસાથી જ 20 હજાર રૂપિયાનો મોબાઇલ ખરીદ્યો. ત્યારબાદ 78 હજાર રૂપિયા પોતાના ઘરમાં છુપાવી દીધા. નોંધનીય છે કે, પંકજ પાંડેયે ચોરીની ફરિયાદ મગધ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મંગળવારે નોંધાવી હતી.