મુઝફ્ફરનગરઃ અત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ અને ન્યાયાલયોની વ્યવસ્થા છે. જોકે, આધુનિક જમાનામાં પણ કેટલીક જગ્યાએ ખાપ પંચાયતોથી સમસ્યાઓનું સમાધાન લવાતું હોય છે. અને ખાપ પંચાયતો દ્વારા કેટલીક વાર એવી સજાઓ ફરમાવવામાં આવતી હોય છે. જેના વિશો લોકોને નવાઈ લાગતી હોય છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફર નગરમાં એક ખાપ પંચાયતે વિચિત્ર ફરમાન બહાર પાડ્યું છે.
ઉત્તર પ્રદેશની એક ખાપ પંચાયતે મહિલાઓને જીન્સ પહેરવા પર પ્રતિબંધ મુક્યો છે સાથે જ પુરૂષોના શોર્ટ્સ પહેરવા પર પણ પ્રતિબંધ મુકતું ફરમાન જાહેર કર્યું છે. મહિલાઓ અને પુરૂષોને ઇચ્છા મુજબના કપડા પહેરવાનો અધિકાર હોવા છતા આ પ્રકારનો ફતવો આ ખાપ પંચાયતે જાહેર કર્યો છે જેની ભારે ટીકા થઇ રહી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની આ ખાપ પંચાયતે પોતાના ફતવામાં કહ્યું છે કે મહિલાઓ, યુવતીઓએ જીન્સ ન પહેરવા, સાથે જ યુવકો કે કોઇ પણ વયના પુરૂષોએ શોર્ટ્સ ન પહેરવા.
આ ફતવો પુરણ સિંઘ અને કિસન સિંઘ નામના ખાપના નેતાઓ દ્વારા જાહેર કરાયો છે. આ નેતાઓએ સાથે ધમકી આપી છે કે જે કોઇ મહિલા કે પુરૂષ અમારા આ આદેશનું પાલન નહીં કરે તો તેમને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવશે સાથે જ અમારા નિયમો મુજબ સજા પણ કરવામાં આવશે.
એટલુ જ નહીં આ ખાપ પંચાયતે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એસસી સમાજના લોકોને આગામી પંચાયતની ચૂંટણીમા અનામત આપવાની જે જાહેરાત કરી હતી તેની પણ ટીકા કરી છે. અગાઉ પણ આ જ પ્રકારના ફતવા ખાપ પંચાયતો જારી કરી ચુકી છે જેમાં મુખ્ય ટાર્ગેટ મહિલાઓ રહી છે.