હૈદરાબાદઃ આપણે જલપરી વિશે વાર્તા અને કહાનીઓમાં અથવા તો ફિલ્મોમાં જોઈ અને સાંભળી હશે. પરંતુ તાજેતરમાં એક આવું જ બાળક જન્મ્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે. હૈદરાબાદની એક હોસ્પિટલમાં જલપરી જેવા દેખાવ ધરાવતું એક બાળક જન્મ્યું હતું. જોકે, થોડા કલાકો જીવ્યા બાદ મોત થયું હતું. આ બાળકના જન્મથી ડોક્ટરો અચંબિત થયા હતા.
હકીકતમાં અહીં એક “મર્મેડ બેબી”નો જન્મ થયો હતો એટલે કે જેનો દેખાવ કાલ્પનિક દરિયાઈ પ્રાણી કે જેનો ઉપરનો ભાગ માણસ જેવો અને નીચેનો ભાગ માછલી જેવો હોય. આને ડૉક્ટરની ભાષામાં મેર્મેડ સિન્ડ્રોમ કહે છે. જેના કારણે બાળકનો વિકાસ આ રીતે થાય છે. પેટલાબુર્જ સરકારી મેટરનિટી હૉસ્પિટલ ખાતે બુધવારે મહિલાએ આવા બાળકને જન્મ આપ્યો હતો.
હૉસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે જન્મના થોડા જ કલાકમાં બાળકનું ખૂબ જ ગંભીર મેડિકલ સ્થિતિને પગલે નિધન થયું હતું. હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે, “બુધવારે સાંજે સાત વાગ્યે બાળકનો જન્મ થયો હતો. જે બાદની બે કલાકમાં જ તેનું નિધન થયું હતું. આવા કિસ્સા ભાગ્યે જ જોવા મળતા હોય છે.”
Sirenomelia કે મર્મેડ સિન્ડ્રોન સાથે જન્મેલા બાળકના હાડકાં કંઈક અલગ જ રીતે વિકસિત થયા હોય છે. આ ભાગ્યે જ જોવા મળતો કેસ છે. આ ઉપરાત બાળકના જનનાંગો પણ હોતા નથી. બાળકની કરોડરજ્જુનો પણ વિકાસ થયેલો નથી હોતો. આ ઉપરાંત બંને કિડનીનો પણ અભાવ જોવા મળે છે. સામાન્ય રીતે આ પ્રકારના ડિસોર્ડર સાથે જન્મેલા બાળકો વધારે સમય સુધી જીવિત રહી શકતા નથી. બાળકના કમરથી નીચેનો ભાગ જોડાયેલો હોય છે.
સરકારી હૉસ્પિટલમાં આ પ્રકારના બાળકનો જન્મ થવાથી હૉસ્પિટલનો હાજરનો સ્ટાફ અચંબિત થઈ ગયો હતો. હૉસ્પિટલ બહાર પણ આ વાતની ચર્ચા છેડાઈ હતી. ઉલ્લેખનીય છે કે આજકાલ બાળકના જન્મ પહેલા અનેક વખત સોનોગ્રાફી કરીને બાળકની સ્થિતિ અંગેની તપાસ કરવામાં આવે છે. આ કેસમાં સોનોગ્રાફી કે અન્ય કોઈ તપાસમાં બાળકની આવી સ્થિતિ અંગે માહિતી કેમ સામે ન આવી તે પણ એક પ્રશ્ન છે.