Girl Survives 25th Floor Fall: 25મા માળેથી પડીને ચમત્કારીક રીતે બચી ગઈ 9 વર્ષીય બાળકી
Girl Survives 25th Floor Fall: અનોખો બનાવ ચીનમાં નોંધાયો છે જ્યાં એક 9 વર્ષની બાળકી 25મા માળેથી નીચે પડવા છતાં આશ્ચર્યજનક રીતે જીવતી બચી ગઈ. સામાન્ય રીતે 25મા માળ જેટલી ઊંચાઈ પરથી નીચે પડવું એટલે જીવલેણ સાબિત થતું હોય છે, ત્યારે આ બાળકીએ ફક્ત થોડાં ફ્રેક્ચર સાથે જીવ બચાવ્યો હોય એ જાણીને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.
ઘટના ચીનના એક રહેણાંક ટાવરમાં બની હતી. અહેવાલ મુજબ, બાળકી પોતાના ઘરમાં હોમવર્ક કરી રહી હતી ત્યારે તેને ગરમી લાગતા તેણે બારી ખોલી હતી. બારીની ફ્રેમ કમજોર હોવાને કારણે સંતુલન ગુમાવતાં તે સીધી 25મા માળેથી નીચે પડી ગઈ. બાળકીના પિતાએ જ્યારે ઘરમાં તેની શોધખોળ શરૂ કરી ત્યારે તે ક્યાંય જોવા મળતી નહોતી. તેની ચપ્પલ બારી પાસે પડેલી જોવા મળતાં પિતા વધુ ગભરાઈ ગયા. અચાનક બિલ્ડિંગ મેનેજરે જાણ કરી કે 7મા માળે પડવાનો અવાજ આવ્યો છે અને ત્યાં કોઈ છોકરી પડી હોવાનું લાગે છે.
પિતા-માતા તરત ત્યાં દોડી ગયા. બાળકી સ્કૂલ યુનિફોર્મમાં હતી અને તેના ચહેરા તથા કાન પાસે થોડું લોહી દેખાઈ રહ્યું હતું, પરંતુ સૌથી મોટી નવાઈની વાત એ હતી કે બાળકી પૂરી રીતે સજાગ હતી અને બેહોશ પણ ન થઈ હતી. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા ડોક્ટરોએ કહ્યું કે બાળકીને ફક્ત થોડાં હાડકાં તૂટી ગયા છે, મગજ કે અંદરના અંગોને કોઈ ગંભીર ઈજા થઈ નથી.
ડૉક્ટરો તથા બાળકીના માતા-પિતા આ ઘટનાને ચમત્કાર સમાન માને છે. માતાએ એક નિવેદનમાં કહ્યું કે તેમનો વિશ્વાસ છે કે ભગવાને જ તેમની દીકરીનું રક્ષણ કર્યું છે. આજે પણ લોકો આ ઘટનાને સાંભળી આશ્ચર્યચકિત છે કે કોઈ 25મા માળથી પડીને પણ કેવી રીતે જીવતી રહી શકે.