From Headache to Cancer: કેલમની લડત, માથાના દુખાવાથી જીવલેણ કેન્સર સુધીની સફર
From Headache to Cancer: જરા કલ્પના કરો, તમારું હંમેશાં હસતું-રમતું બાળક અચાનક બીમાર પડે… શરૂઆતમાં એક સામાન્ય માથાના દુખાવાથી શરૂ થઈને વાત એ સ્તરે પહોંચી જાય જ્યાં જાણ થાય કે તેને ગંભીર કેન્સર છે – એ પણ એવા પ્રકારનો કેન્સર જેનો ઈલાજ શક્ય નથી. એવી પરિસ્થિતિમાં કોઈપણ માતા-પિતાનું હૃદય તૂટી જાય, સાચું ને?
યૂનાઇટેડ કિંગડમના ચેમ્સફોર્ડ શહેરમાં આવી જ દુખદ ઘટના બની છે. અહીં 15 વર્ષીય કેલમ સ્ટોન(Callum Stone), એક તંદુરસ્ત અને સ્પોર્ટ્સ લવર વિદ્યાર્થી, શાળામાં હતો ત્યારે તેને માથાનો દુખાવો થયો. તેને શાળાની મેડિકલ રૂમમાં લઇ જવામાં આવ્યો અને શાળાએ તેના પરિવારને બોલાવ્યો. જેમને લાગ્યું કે સામાન્ય તકલીફ હશે. પરંતુ જયારે સાવકા પિતા માર્ક ફેરિસ શાળાએ પહોંચ્યા, ત્યારે કટુ સત્ય સામે આવ્યું – કેલમ બોલી શકતો ન હતો. ક્યારેક સંજ્ઞા ગુમાવતો હતો.
તુરંત તેને ચેમ્સફિલ્ડની બ્રૂમફિલ્ડ હોસ્પિટલ લઇ જવાયો, જ્યાં રસ્તામાં જ તેને ત્રણ વખત ફિટ્સ (અચાનક attacks) આવ્યા. શરૂમાં ડૉક્ટર્સે વાયરલ ઈન્ફેક્શન માન્યું, કારણ કે સ્કેનમાં માત્ર સૂજન દેખાયું. દવા આપી ઘેર મોકલવામાં આવ્યો – અને થોડી રાહત મળી પણ. પણ થોડી વારમાં જ કેલમ ફરી બીમાર પડ્યો અને ફરી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
આ વખતે, વધુ નિદાન માટે કેલમને લંડનની “ગ્રેટ ઓરમોન્ડ સ્ટ્રીટ હોસ્પિટલ ફોર ચિલ્ડ્રન” મોકલવામાં આવ્યો. અહીં 5 ફેબ્રુઆરીએ બાયોપ્સી બાદ 11 ફેબ્રુઆરીએ પરિવારને જાણકારી મળી કે કેલમને ‘ગ્રેડ 4 ડિફ્યુઝ ગ્લિઓમા’ છે – મગજમાં થતું અત્યંત ગંભીર કેન્સર, જે જાળીની જેમ ફેલાય છે અને જેનું ઓપરેશન કરવું શક્ય નથી.
આ સમાચાર પરિવાર માટે જમીન સરકી જવા જેટલા હતા. થોડા મહિના પહેલાં જે પરિવાર સામાન્ય જીવન જીવી રહ્યો હતો, હવે તેઓ જીવ-મરણની લડાઈ લડી રહ્યા છે. પરંતુ કેલમે હિંમત ન હારી. જ્યારે એને આ વાત જણાવવામાં આવી, ત્યારે તેણે પોતાનું દુઃખ છુપાવીને પોતાનાં પરિવારને હસતામુખે ગળે લગાવ્યો.
પછી 14 ફેબ્રુઆરીએ યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલ, લંડનમાં તેની સારવાર શરૂ થઈ. 24 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધી, દરરોજ 6 અઠવાડિયા સુધી તેને રેડિયોથેરાપી આપવામાં આવી. હવે 5 મેના રોજ મગજનું ફરી MRI સ્કેન થશે, જે દ્વારા જાણવા મળશે કે રેડિયોથેરાપીથી કેટલો ફરક પડ્યો.
પરંતુ એ સુધીમાં, ડૉક્ટરોએ જણાવ્યું કે NHS (યુકેની નેશનલ હેલ્થ સર્વિસ) પાસે હવે વધુ કોઈ વિકલ્પ ન રહ્યો. એ માટે પરિવારએ કેલમ માટે વિદેશમાં બીજી કોઈ વૈકલ્પિક સારવાર શોધવા માટે GoFundMe પર અભિયાન શરૂ કર્યું. અત્યાર સુધીમાં લોકોના સહકારથી £50,000 (અંદાજે 50 લાખ રૂપિયા)થી વધુ ભેગા થયા છે.
માતાએ કહ્યું કે કેલમ, જે પહેલાં ક્યારેય સિરિયસ બીમાર ન પડ્યો હતો, આજે દરરોજ ઘણી દવાઓ લઈ રહ્યો છે, નિયમિત હોસ્પિટલ જવાનું થઈ ગયું છે. પરંતુ તે હજી પણ હિંમત સાથે લડી રહ્યો છે અને પોતાનું પહેલું જીવન પાછું મેળવવાની આશા રાખી રહ્યો છે.