Calligraphy Cleared ₹23 Cr Debt: સુંદર લેખનથી સર્જ્યો ચમત્કાર, ચીનના યુવાને મહેનતથી ચૂકવ્યું 23 કરોડનું દેવું
Calligraphy Cleared ₹23 Cr Debt: જ્યારે કોઈ વ્યક્તિ દિલથી પોતાની કલાને અનુસરે છે, ત્યારે સફળતા તેને મળ્યા વિના રહેતી નથી. ચીનના વુહાન શહેરના ચેન ઝાઓ એ તેનું જીવંત ઉદાહરણ છે. 31 વર્ષના ચેન ઝાઓએ સુલેખન જેવી શાંતિપૂર્ણ કલાને પોતાની કમાણીનું સાધન બનાવ્યું અને સાત વર્ષની મહેનતથી માતાપિતાનું 23 કરોડ રૂપિયાનું દેવું ચૂકવી દીધું.
ચેન ઝાઓએ પાંચ વર્ષની ઉંમરે સુલેખન શીખવાનું શરૂ કર્યું હતું. તેના માતાપિતાને ક્યારેય લાગતું નહોતું કે સુલેખન જેવી કલાથી તેમના પુત્રનું ભવિષ્ય ઉજળું બની શકશે. તેમ છતાં ચેનની આ કળા પ્રતિ નિષ્ઠા ઓછી નહિ થઈ. તેણે હુબેઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇન આર્ટ્સમાંથી સુલેખનનો અભ્યાસ કર્યો અને 2016માં સ્નાતક થયા પછી પોતાનો શિક્ષણ સ્ટુડિયો શરૂ કર્યો.
પ્રારંભે થોડા વિદ્યાર્થીઓ આવતા, પરંતુ ધીરેધીરે ચેનના કૌશલ્ય અને પ્રયત્નોને ઓળખ મળી. એક વર્ષની અંદર સ્ટુડિયોએ તેજી પકડી અને ચેન ફ્રાન્સ જઈને પણ સુલેખનનું કોચિંગ આપ્યા પછી વધુ લોકપ્રિય બન્યો.
ફ્રાન્સથી પરત ફર્યા પછી તેણે પોતાના કામમાં વધુ મન મૂક્યું. સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધી સતત 13 કલાક કામ કરીને, માત્ર શીખવવાનું નહીં, પણ તેણે ઓનલાઈન કોર્સ અને સુલેખન સામગ્રી પણ વેચવાની શરૂઆત કરી. સાથે જ એક ટી રૂમ શરૂ કર્યો, જેના થકી તે વધુ આવક ઉપજાવતો રહ્યો.
આ જ હાથે પકડેલી કલાથી ચેને પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય બદલ્યું. સપ્ટેમ્બર 2024 સુધીમાં તેણે આખું દેવું ચૂકવી દીધું — શ્રદ્ધા, મહેનત અને નાની કલાનો વિજય!