Bhilwara wonderful park: ભીલવાડાનો અનોખો ‘વેસ્ટ ટુ વન્ડર પાર્ક’, કચરામાંથી સર્જાયેલી કલ્પનાત્મક દુનિયા
Bhilwara wonderful park: ઉદ્યાનો તો તમે અનેક જોયા હશે, પણ ભીલવાડામાં સ્થિત એક એવો પાર્ક છે જે સૌથી અલગ છે. અહીં ફૂવારા કે ફલાવરો નહીં, પણ જૂના ટાયર, પ્લાસ્ટિક બોટલ્સ અને તૂટેલી વસ્તુઓમાંથી સર્જાયેલી કલાત્મક રચનાઓ છે. ભીલવાડા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવેલો ‘વેસ્ટ ટુ વન્ડર પાર્ક’ કચરામાંથી સર્જાયેલી સુંદરતાનું જીવતું ઉદાહરણ છે.
નકામી વસ્તુઓથી બનાવ્યું ઉદ્યાન
આપણે સામાન્ય રીતે તૂટી ગયેલી કે નકામી વસ્તુઓને ફેંકી દઈએ છીએ, પણ ભીલવાડાનો આ પાર્ક બતાવે છે કે યોગ્ય દૃષ્ટિકોણ અને સર્જનાત્મકતા હોય તો નકામું પણ ઉપયોગી બની શકે. અહીં જૂના ટાયર, લોખંડના ટુકડા, પ્લાસ્ટિકની બોટલ્સ, પાઈપ્સ વગેરેમાંથી રંગીન ઝૂલા, પ્રદર્શન અને ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે.
50 થી વધુ અનોખી રચનાઓ
પાર્કમાં કુલ 50 થી વધુ કલાત્મક પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા છે. દરેક રચના રિસાયક્લિંગની મહત્તાને ઉજાગર કરે છે. અહીંનો દરેક ખૂણો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે – ખાસ કરીને યુવાનો માટે આ ‘સેલ્ફી પોઈન્ટ’ તરીકે લોકપ્રિય બન્યો છે.
ભવિષ્ય માટે સંદેશ
મ્યુનિસિપલ કમિશનર હેમારામ ચૌધરીએ જણાવ્યું કે, આ પાર્ક ભવિષ્ય માટે એક મોટો સંદેશ આપે છે – નકામું કંઈ નથી, દરેક વસ્તુનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. આવું ઉદ્યાન ભવિષ્યમાં શહેરી કચરાનો ઉપયોગ કેવી રીતે કરવો તે માટે પ્રેરણા બને છે.
બીજી જગ્યાએ પણ તૈયારી
આ અનોખા પાર્કની સફળતા જોઈને ભીલવાડામાં બીજું ‘વેસ્ટ ટુ વન્ડર પાર્ક’ પણ તૈયાર થવા જઈ રહ્યું છે. આવું પાર્ક માત્ર મનોરંજન માટે નહીં પણ શીખવા માટેનું માધ્યમ પણ બન્યું છે, જે શહેરના નાગરિકો માટે ગર્વનું કારણ છે.
ભીલવાડાનું વેસ્ટ ટુ વન્ડર પાર્ક સાબિત કરે છે કે સર્જનાત્મકતા અને સંકલ્પશક્તિથી કચરો પણ સુંદરતામાં બદલી શકાય છે.