શામલીઃ ઉત્તર પ્રદેશના 26 વર્ષીય અઝીમ મન્સૂરી પોતાના લગ્ન માટે દરદર ભટકતો હતો. તેણે પોતાના લગ્ન કરાવી આપવા માટે પોલીસ અને મુખ્યમંત્રી સુધી પણ અપીલ કરી હતી. જોકે, તેના બે ફૂટ ત્રણ ઈંચની ઊંચાઈ અને શરીરનો બાંધો લગ્ન માટે વિઘ્ન બન્યો હતો. પરંતુ હવે અઝીમ માટે છોકરીઓની લાઈનો લાગી છે. અઝીમ મન્સૂરીએ પોતાના લગ્ન માટે સોશિયલ મીડિયા ઉપર પણ અપીલ કરી હતી.
જે બાદમાં ઉપરવાળાએ અઝીમની વિનંતી સાંભળી લીધી હોય તેમ લગ્નના પ્રસ્તાવની લાઇનો લાગી ગઈ હતી. ગાઝિયાબાદ, બુલંદશહર, દિલ્હી સહિતના શહેરોમાંથી મન્સૂરી માટે લગ્નના માંગા આવવાના શરૂ થઈ ગયા છે. પરંતુ હવે કઈ છોકરીને પસંદ કરવી તેને લઈને દ્વીધા છે.
મન્સૂરીના પરિવારના લોકો તેમના પાસે આવેલા માંગાની તપાસ કરી રહ્યા છે, જેમાંથી કોઈ એક છોકરી નક્કી કરીને લગ્નની વાત આગળ વધારવા માટેનું તેઓ આયોજન કરી રહ્યા છે. આ ઉપરાંત અનેક છોકરીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને મન્સૂરી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
અઝીમ મન્સૂરીને દિલ્હીની એક યુવતીએ લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. છોકરીએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને મન્સૂરી સાથે લગ્ન કરવાની વાત કહી છે. દિલ્હી નિવાસી છોકરીનું કહેવું છે કે તેણી મન્સૂરી સાથે લગ્ન કરવા માંગે છે. તેણી મન્સૂરીને ખૂબ પસંદ કરે છે.
બીજી તરફ અઝીમ મન્સૂરી પણ સતત આવી રહેલા માંગાને લઈને ખૂબ ખુશ છે અને બહુ ઝડપથી લગ્ન કરવાની તેની ઇચ્છા પૂરી થાય તેવું લાગી રહ્યું છે. જોકે, અઝીમ મન્સૂરીએ પ્રસિદ્ધ થયા બાદ હવે હિન્દી ગીતો બનાવવાનું શરૂ કર્યું છે. બહુ ઝડપથી તેનું એક ગીત આપણી વચ્ચે હશે.