124 Years Oldest Women In China : 124 વર્ષની આ મહિલા, 6 પેઢીઓ જોઈ અને આજે પણ તંદુરસ્ત!
124 Years Oldest Women In China : દરેક વ્યક્તિ લાંબું અને તંદુરસ્ત જીવન જીવવા માંગે છે, પણ ઘણીવાર અજાણતા જ એવી આદતો અપનાવી લે છે જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે અને આયુષ્યમાં 5-10 વર્ષ સુધીની ઘટાડો લાવે છે. આજના સમયમાં સૌથી મોટો પડકાર સ્વસ્થ રહેવાનો અને લાંબા સમય સુધી ચિંતામુક્ત જીવન જીવવાનો છે.
શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવી મહિલા છે જેણે 6 પેઢીઓનો વિકાસ જોઈ લીધો છે? હા, એ સાચું છે! કિયુ શાઈશી નામની ચીનની આ મહીલાએ 124મો જન્મદિવસ 1 જાન્યુઆરીએ ઉજવ્યો. અહેવાલ મુજબ, તેમનો જન્મ 1901માં થયો હતો, જ્યારે ચીનમાં કિંગ રાજવંશનું શાસન હતું.
આ બહાદુર મહિલાએ તેના જીવનકાળમાં 6 પેઢીઓ ઉછરતી અને વિકસતી જોઈ છે. નવાઈની વાત એ છે કે આજે તેમના પૌત્રો અને પૌત્રીઓની ઉંમર પણ 60 વર્ષથી વધુ છે. કિયુ શાઈશી સિચુઆન પ્રાંતની પ્રથમ એવી મહિલા બની છે જેણે 6 પેઢીઓનું જીવન જોયું છે.
કાયમ તંદુરસ્ત રહેવાનું રહસ્ય શું છે?
કિયુ શાઈશીનું કહેવું છે કે લાંબા આયુષ્ય માટે શિસ્તભર્યું જીવન મુખ્ય છે. તેમના પતિનું 40 વર્ષની ઉંમરે અવસાન થયા બાદ, તેમણે ચાર બાળકોને એકલા ઉછેર્યા. આ દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
આજે પણ કિયુ શાઈશી પોતાનું ઘણું બધું કામ જાતે જ કરે છે. તેઓ રાત્રે 8 વાગ્યે સુઈ જાય છે અને દરરોજ પૌષ્ટિક આહાર લે છે. તેમના ડાયટમાં કોળા, પોરીજ, મકાઈનો ભૂકો, ચોખા અને તરબૂચ સામેલ છે.
વિવાદ – ઉંમર માત્ર ચીનમાં માન્ય
કિયુ શાઈશીની ઉંમર ચીનની સરકારી નોંધપોથીમાં નોંધાયેલી છે, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ સત્તાવાર પ્રમાણપત્ર મળ્યું નથી. તેમ છતાં, ચીનમાં તેઓ અત્યંત લોકપ્રિય છે અને લોકો માટે પ્રેરણાસ્રોત બની છે.
કિયુનું માનવું છે કે જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ અને શારીરિક મહેનત લાંબા આયુષ્યની ચાવી છે.