Onion Price: ડુંગળી નિકાસ પરની ડ્યુટી હટાવાઈ, ખેડૂતો માટે રાહતના સમાચાર
Onion Price: ભારત સરકારે ડુંગળીની નિકાસ પર લાગુ 20% ડ્યુટી પાછી ખેંચી લીધી છે. આ નિર્ણય 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. મહારાષ્ટ્ર સહિત દેશભરના ખેડૂતો લાંબા સમયથી ડ્યુટી દૂર કરવાની માંગ કરી રહ્યા હતા, જેની સામે હવે સરકારે પગલું ભર્યું છે.
ગયા વર્ષે મેમાં, ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લગાવાઈ હતી, જે ઘટાડીને 20% કરવામાં આવી. ડ્યુટીને કારણે ભારતીય ડુંગળી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરી શકતી ન હતી. આ નિર્ણય પાછળ મહારાષ્ટ્રમાં આવતા ચૂંટણીને કારણે પણ ગણતરીઓ ચાલી રહી છે.
હાલમાં દેશભરમાં ડુંગળીના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. બમ્પર ઉત્પાદનને કારણે સ્થાનિક બજારમાં ડુંગળીનો પુરવઠો વધતા ભાવ નીચે જવા લાગ્યા છે. મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં ડુંગળીના ભાવમાં મોટા ઘટાડાને કારણે ખેડૂતો પરેશાન હતા.
સરકારના આંકડા મુજબ, આ નાણાકીય વર્ષમાં (18 માર્ચ સુધી) 11.65 લાખ મેટ્રિક ટન (LMT) ડુંગળીની નિકાસ થઈ છે. રવિ સીઝન માટે ડુંગળીનું ઉત્પાદન 227 LMT થવાની ધારણા છે, જે ગયા વર્ષની તુલનામાં 18% વધુ છે.
માર્ચ 2025 સુધીમાં, લાસલગાંવ અને પિંપળગાંવમાં ડુંગળીના ભાવ અનુક્રમે ₹1330 અને ₹1325 પ્રતિ ક્વિન્ટલ રહ્યા હતા. જોકે, સરેરાશ બજાર ભાવો ગયા વર્ષની સરખામણીએ હજુ પણ ઉંચા છે, પરંતુ તાજેતરમાં 39% નો ઘટાડો થયો છે.
આ નિર્ણય ખેડૂતો માટે રાહત લાવશે અને ભારતીય ડુંગળી માટે વૈશ્વિક બજારમાં વધુ તકો ઊભી કરશે.