Mango powdery mildew: ખતરનાક રોગનો કહેર: કેસર કેરીના ઉત્પાદનમાં 40% ઘટાડો સંભાવિત
ભૂકીછારો રોગના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં 40% જેટલું નુકસાન થવાની સંભાવના છે, જેની વહેલી તકે માવજત કરવી જરૂરી
રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ 5% એસીનો 2 ml પ્રતિ લિટર છંટકાવ કરવાથી અસરકારક રીતે રોકથામ કરી શકાય
Mango powdery mildew: સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં આંબાના બગીચા આવેલા છે. કેસર કેરીનું ઉત્પાદન થાય છે. આંબાના મોરમાં ભૂકી છારો રોગ આવે છે. આ રોગના કારણે કેસર કેરીના(kesar keri) ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. આ રોગના કારણે કેરીના ઉત્પાદનમાં 40 ટકા જેટલું નુકસાન થાય છે. આ રોગનું નિયંત્રણ કરવું જરૂરી છે. આ રોગના નિયંત્રણ અંગે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક વિનુભાઈ આહીરે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે અને રોગની સમજ આપી હતી.
મહુવા કૃષિ સંશોધન કેન્દ્રના મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક વિનુભાઈ આહીરે જણાવ્યું હતું કે, “હાલ કેરીની સિઝન ચાલી રહી છે. આ વર્ષે આંબામાં સારા મોર આવ્યા છે. પરંતુ તેમાં પણ રોગ અને જીવાતનું પ્રમાણ જોવા મળતું હોય છે. ખેડૂતોએ અગાઉથી જ માવજત કરે તો નુકસાન થતું નથી. આંબામાં ભૂકીછારો રોગનું આક્રમણ વધુ જોવા મળે છે. આંબામાં મોરની અવસ્થા શરૂ થાય ત્યારે જ આક્રમણ શરૂ થાય છે.”
વધુમાં જણાવ્યું હતું કે, “મોર ફૂટવાની શરૂઆત હોય ત્યારે ધીમે ધીમે તેના પર સફેદ રંગનો પાવડર જોવા મળે છે. બાદ ફૂગનું પ્રમાણ વધતું જાય છે. નજીકથી જોતા મોરમાં સફેદ રંગનું આવરણ જોવા મળે છે. જેના કારણે ફ્લાવર નીકળેલા હોય તે ડ્રાય થઈ જાય છે. જેના કારણે 40% જેટલું પાકને નુકસાન પહોંચતું હોય છે. જેથી આ રોગના નિયંત્રણ માટેના ખેડૂતોએ વહેલી તકે પગલાં લેવા જોઈએ. મોર ફૂટવાની શરૂઆત હોય ત્યારે જ ભૂકીછારો રોગની માવજત શરૂ કરી દેવી જોઈએ.”
વધુમાં જણાવ્યું હતું કે, “આ રોગના નિયંત્રણ માટે ખેડૂતોએ કોઈપણ સાધારણ ફંજીસાઈડનો છંટકાવ કરી શકે છે. જેમ કે હેક્ઝાકોનાઝોલ 5% એસીનો 2 ml પ્રતિ લિટર તરીકે છંટકાવ કરી શકે છે. રોગનું વધુ પ્રબળ આક્રમણ જોવા મળે તો તે સમયે કોમ્બિનેશન વાળી ફંજીસાઈડનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને આંબાના મોરમાં આવતો ભૂકીછારો રોગ પર નિયંત્રણ મેળવી શકાય અને આ રોગ થવાના કારણે થતું નુકસાન બચાવી શકાય છે.”