Kharif 2025 Fertilizer Subsidy : DAP અને P&K ખાતર હવે સસ્તું! સરકારે મંજૂર કરી ₹37,216 કરોડની સબસિડી
Kharif 2025 Fertilizer Subsidy : કેન્દ્રીય મંત્રીમંડળે ખરીફ 2025 માટે પોટાશ અને ફોસ્ફેટિક ખાતરો પર રૂ. 37,216.15 કરોડની NBS સબસિડીને મંજૂરી આપી છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ અને વાજબી ભાવે ખાતર ઉપલબ્ધ કરી શકાય. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતરી કરી છે કે ખાતરના વધતા ભાવે ખેડૂતો પર કોઈ અતિરિક્ત બોજ ન પડે. સરકાર ડીએપી ખાતર માટે 50 કિલોની બેગ દીઠ 1350 રૂપિયાનો દર યથાવત રાખવા માટે સબસિડી આપશે.
કોરોના મહામારી પછી આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં ભારે વધારો થયો છે, પરંતુ કેન્દ્ર સરકારે ખેડૂતોને આ ભાવવધારાના પ્રભાવથી બચાવ્યા છે. ખરીફ સિઝન 2025 માટે અંદાજિત 37,216.15 કરોડની સબસિડી જાહેર કરવામાં આવી છે, જે અગાઉની રવી સિઝન કરતાં 13,000 કરોડ રૂપિયાથી વધુ છે. આ નિર્ણયના કારણે યુરિયા, ડીએપી, એમઓપી અને અન્ય ખાતરો પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ રહેશે.
સરકાર દ્વારા NPKS ગ્રેડ સહિતના 28 પ્રકારના P&K ખાતરો પર 1 એપ્રિલ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી NBS દરો લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પગલાંના કારણે 180 લાખ મેટ્રિક ટન ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.
સાથે જ, કેન્દ્રીય મંત્રીમંડળે બિહારના કોસી-મેચી આંતરરાજ્ય નદી જોડાણ પ્રોજેક્ટને PMKSY-AIBP હેઠળ મંજૂરી આપી છે. રૂ. 6,282.32 કરોડના આ પ્રોજેક્ટથી સિંચાઈની સુવિધામાં વધારો થશે અને ખેડૂતોને મોટી રાહત મળશે.