Farmer ID Cards: 4.60 કરોડથી વધુ ખેડૂત ઓળખપત્રો તૈયાર: જમીન વેચાણ પર તાત્કાલિક અપડેટ મળશે
Farmer ID Cards: રાજ્યસભામાં શુક્રવારે પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, દેશભરમાં 4.60 કરોડથી વધુ ખેડૂત ઓળખપત્રો તૈયાર કરવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું કે અગાઉની સરકારોમાં ખેડૂતોને જમીનના રેકોર્ડ મેળવવા માટે લાંબી પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડિજિટલ કૃષિ મિશન શરૂ કરવામાં આવ્યું છે, જે આ સમસ્યાઓને પૂર્ણ કરશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, જો કોઈ ખેડૂત જમીન વેચે છે, તો તેની નોંધણી તરત જ અપડેટ કરવામાં આવશે. રાજ્યના મહેસૂલ રેકોર્ડ સાથે ખેડૂત રજિસ્ટ્રીને સંકળીને, જમીનની માલિકીની હકીકત તાત્કાલિક જાણી શકાય. જો કોઈ તકલીફ થાય, તો ખેડૂતો મોબાઇલ એપ્લિકેશન કે વેબસાઇટ મારફતે ફરિયાદ કરી શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સીધો લાભ
શિવરાજ સિંહે કહ્યું કે અગાઉની સરકારોએ જ્યાં એક રૂપિયો મોકલતો તો ખેડૂતો સુધી માત્ર 15 પૈસા પહોંચતા હતા, આજે મોદી સરકાર ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર દ્વારા 9.80 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં સહાય જમા કરે છે. ખેડૂતો તેમના મોબાઇલમાં સહાયની રકમ પહોંચી હોવાની પૃષ્ઠી પણ જોઈ શકે છે. ડિજિટલ ક્રાંતિથી દેશના ખેડૂતો માટે ફાયદાકારક પરિવર્તન થયું છે.
ખેડૂતોના ડેટાને સુરક્ષિત રાખવાની તૈયારી
સરકારે ખેડૂતોના ડેટાના દુરુપયોગને અટકાવવા માટે પણ ખાસ પગલાં લીધા છે. ખેડૂતની સ્પષ્ટ સંમતિ વિના તેનું ડેટા અન્ય કોઈ સાથે શેર નહીં થાય. સાથે જ, સરકાર કૃષિ યોજના અને પાક સર્વે દ્વારા ખેડૂતોના હક્કોને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયાસ કરી રહી છે.
કૃષિ ક્ષેત્રે નવો ડિજિટલ યુગ
મોદી સરકારે ડિજિટલ પાક સર્વે શરૂ કરીને, ખેડૂતોને તેમના પાક અંગે વધુ સચોટ માહિતી અને સહાય ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કર્યો છે. સરકારનું લક્ષ્ય છે કે કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ટેક્નોલોજી દ્વારા મોટા પાયે સુધારા કરવામાં આવે અને ખેડૂતોની આવકમાં વધારો થાય.