પ્રાપ્ત માહિતી અનુસાર વાગરાના ઓરા ગામે ખડકી ફળીયામાં રહેતા અરૂણાબેન ગણપતસિંહ રાજ (ઉં.વર્ષ.-૪૦) તેમના પુત્ર દેવેન્દ્રસિંહ ગણપતસિંહ રાજ (ઉં.વર્ષ.-૨૩) સાથે રહેતા હતા. તા.૭ મી ના રોજ તેમની ગભાણમાં તેમના પતિના ભાઇના છોકરાઓ દ્વારા દિવાલ બનાવવા જતા બંન્ને પરિવાર વચ્ચે બોલાચાલી થઈ હતી.
જેમાં સાંજે બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા દેવેન્દ્રસિંહના કાકાના દિકરા સુરેશસિંહ રામસિંહ રાજ તથા પ્રવિણસિંહ રામસિંહ રાજ અને તેના મળતીયાઓ દ્વારા કાકી અરૂણા અને ભાઇ દેવેન્દ્ર પર ડાંગ વડે હુમલો કરી કાકી અરૂણાના પેટમાં તેમજ દેવેન્દ્રને આંખે , કપાળે તેમજ શરીરે ઇજાઓ પહોંચાડતા બંન્ને ઇજાગ્રસ્તને પ્રથમ સારવાર અર્થે વાગરા સી.એચ.સી. લઈ જવાયા હતા.જયાં હાજર તબીબે અરૂણાબેન રાજની તબીયત વધુ નાજુક લાગતા પ્રાથમિક સારવાર બાદ સી.એચ.સીની એબ્યુલન્સ મારફતે રીફર મેમો સાથે વધુ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.
જયાં તબીબે અરૂણાબેન રાજને ૭.૩૦ કલાકે મરણ જાહેર કર્યા હતા. આ બનાવની જાણ વાગરા પોલીસ મથકે કરાતા વગરા પી.એસ.આઇ તેમની ટીમ સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ દોડી આવી દેવેન્દ્રસિંહ રાજની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.