કેન્સર એક અસાધ્ય અને જીવલેણ બીમારી ગણાય છે પરંતુ જો સ્મયસર નિદાન થાય તો આ રોગ મટી જતો હોવાના પણ કિસ્સા છે આ બધા વચ્ચે રાજકોટ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવન દ્વારા હર્બલ દવાની શોધ થઈ છે અને જે મેડિસિન જે દર્દીઓને લંગ, લીવર કે બ્રેસ્ટ કેન્સર હશે તેના ઇલાજમાં ઉપયોગી થઇ શકશે તેમ વૈજ્ઞાનિક ડો.વૈભવ ભટ્ટે જણાવ્યું હતું. તેઓ એ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની એકમાત્ર સેલ લાઇન લેબોરેટરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં છેલ્લા એક વર્ષથી કાર્યરત છે. આ લેબોરેટરીમાં છેલ્લા એક વર્ષથી તેઓએ પુનાની નેશનલ સેન્ટર ફોર સેલ સ્ટડી(એનસીસીએસ)માંથી કેન્સરના વિવિધ પ્રકારના સેલ મગાવી તેને ન્યુટ્રિશિયન આપીને ગ્રો એટલે કે તેનો વિકાસ કરી તેના પર કેન્સરના ઇલાજ માટેની વિવિધ દવાઓનો પ્રયોગ અને સંશોધન શરૂ કર્યું હતું. જેમાં જાણી શકાયું કે, કેન્સરની વિવિધ દવાઓ તેના સેલને ખતમ તો કરી નાખે છે પરંતુ તેની આડઅસર ઘણી બધી છે. આથી કેન્સરના દર્દીઓને આડઅસર ન થાય તે માટે હર્બલ પ્લાન્ટમાંથી દવાઓ છુટ્ટી પાડી ‘સીલીબીનીન નેનો પાર્ટિકલ’ બનાવવામાં આવ્યા છે અને તેમાં સફળતા પણ મળતા રિ-કન્ફર્મેશન માટે એનિમલ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતા હવે આ હર્બલ દવાની પેટન્ટ માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ આ દવાથી માત્ર પ્રથમ અને સેકન્ડ સ્ટેજમાં જ કેન્સરનો ઇલાજ શક્ય છે. કેન્સરના છેલ્લા સ્ટેજમાં તેના સેલ લોહીમાં ભળતા શરીરમાં અલગ-અલગ ગાંઠ થાય છે અને તેનો ઇલાજ થતો નથી.
નેનો પાર્ટિકલ MDI મારફત સીધી ફેફસાંમાં પહોંચી ઇલાજ કરે છે
કેન્સરના દર્દીને સીલીબીનીન પાર્ટિકલનો ડોઝ મીટર ડોઝ ઇન્હેલર મારફત સીધો ફેફસાંમાં પહોંચાડવામાં આવે છે અને ફેંફસાંમાં હર્બલ દવાનો ડોઝ નેનો પાર્ટિકલમાંથી છુટ્ટો પડી કેન્સરના સેલના નાશની કામગીરી કરે છે.
કેન્સરના સેલને ઉંદરમાં ગ્રો કરી તેની ગાંઠ બન્યા બાદ ‘સીલીબીનીન નેનો પાર્ટિકલ’ની મદદથી કેન્સરની ગાંઠનો ઇલાજ શરૂ કર્યો હતો અને સતત આઠ મહિના સુધી ઉંદરને હર્બલ દવા આપતા તેના બોડીમાંથી કેન્સરની ગાંઠ દૂર કરવામાં સફળતા મળી છે. આ હર્બલ દવા હોવાથી તેની કોઇ આડઅસર થઇ ન હોવાનુ સામે આવ્યું છે.ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ દવા માર્કેટ માં ક્યારે આવે અને તેનો લાભ મળી શકશે.
