વોશિંગટન તા.4 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 7 મુસ્લિમ દેશોના નાગરિકોને અમેરિકાને વિઝા ન આપવાના આદેશ ઉપર સિએટલના ડિસ્ટ્રીક્ટ જજે સ્ટે ઓર્ડર મૂકી દીધો.સિએટલ ડિસ્ટ્રીક્ટ જજ જેમ્સ રોબર્ટે ચુકાદો આપતા કહ્યું કે રાષ્ટ્રપતિના આદેશ બાદ વોશિંગ્ટન અને મિનેસોટા સામે ઘણી મુશ્કેલીઓ આવી ગઇ છે. જજે કહ્યું કે આદેશ બાદ રાજ્યએ આકસ્મિક અને ભરપાઇ ન થઇ શકે એવા નુકસાન તરીકે થયેલા ભારણનો રસ્તો કાઢવો પડશે. ન્યાયાધીશે રાજ્ય સરકારના વકીલ બેનેટને પૂછ્યું કે 9/11 બાદ આ સાત મુસ્લિમ દેશોએ અમેરિકા પર કોઇ આતંકવાદી હુમલો કર્યો છે? જવાબમાં બેનેટે કહ્યું કે તેમને ખબર નથી. જજે બાદમાં કહ્યું કે આનો જવાબ ના છે. તેમણે આગળ કહ્યું કે આ દેશોના નાગરિકો તરફથી જોખમ હોવાનો હવાલો આપીને આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પણ લોકોનું આ આદેશને સમર્થન નથી.
ગયા અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ આખા અમેરિકામાં તેની વિરુદ્ધ પ્રદર્શનો શરૂ થઇ ગયા હતાં. વ્હાઇટ હાઉસનો દાવો છે કે દેશને સુરક્ષિત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વોશિંગ્ટન એવું પહેલું રાજ્ય છે જેણે ઇરાન, ઇરાક, સીરિયા, સુદાન, સોમાલિયા, લીબિયા અને યમનના નાગરિકોને અમેરિકામાં પ્રવેશબંધીના આદેશને અદાલતમાં પડકાર્યો છે.