શુક્રવાર, 6 માર્ચે ફાગણ મહિનાના સુદ પક્ષની આમલકી એકાદશી છે. આ દિવસે આંબળાના વૃક્ષની વિશેષ પૂજા કરવામાં આવે છે. આંબળા પણ ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. જેથી આમલકી એકાદશીએ આંબળાની પૂજા કરવાની પરંપરા છે. એકાદશીએ ભગવાન વિષ્ણુ માટે વ્રત કરવામાં આવે છે. આ તિથિએ વિષ્ણુજી અને તેમના અવતારોની વિધિ-વિધાનથી પૂજા કરવી જોઇે. એકાદશીએ સવારે જલ્દી ઉઠવું અને સ્નાન બાદ ગણેશજીની વિધિવત પૂજા કરવી. ત્યાર બાદ શ્રીકૃષ્ણની પૂજા કરતાં પહેલાં હાથને જળથી ધોઇ લેવાં. ત્યાર બાદ શ્રીકૃષ્ણના હાથ માટે જળ અર્પણ કરો. હાથ ધોવા માટે સુગંધિત ફૂલના જળનો ઉપયોગ કરવો જોઇએ. સુગંધિત જળથી જ બાળ ગોપાળને સ્નાન કરાવડાવવું. બાળ ગોપાળ સાથે જ ગૌમાતાની મૂર્તિ પણ રાખવી. શ્રીકૃષ્ણને ગૌમાતા વિશેષ પ્રિય છે, એટલે એકાદશીએ ગૌમાતાની પૂજા પણ કરો. શ્રીકૃષ્ણ માટે સુંદર આસનનો ઉપયોગ કરવો જોઇએ. આસનનો રંગ લાલ, પીળો, નારંગી હોય તો સૌથી શ્રેષ્ઠ રહેશે. ભગવાનને પીતાંબરધારી કહેવામાં આવે છે, એટલે તેમને પીળા વસ્ત્ર અર્પણ કરવાં જોઇએ. જે વાસણમાં શ્રીકૃષ્ણના પગ ધોવામાં આવે છે તેને પાદ્ય કહેવામાં આવે છે. પૂજા પહેલાં પાદ્યમાં સ્વચ્છ જળ અને ફૂલોની પાંખડીઓ રાખો અને તેના દ્વારા ભગવાનના ચરણોને સાફ કરો. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડને એકસાથે મિક્સ કરીને પંચામૃત બનાવો. કોઇ શુદ્ધ વાસણમાં ભોગ ધરાવો. શ્રીકૃષ્ણના ભોગમાં તુલસીના પાન જરૂર રાખવાં. પૂજામાં ભગવાન શ્રીકૃષ્ણના મંત્ર कृं कृष्णाय नम: નો જાપ કરતાં રહો.