રાજ્ય માં હાલ બોર્ડ ની પરીક્ષાઓ ને લઈ તંત્ર કામે લાગ્યું છે , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી પાંચ માર્ચથી શરૂ થવાની છે જેમા અમદાવાદ ની વાત કરીએ તો કુલ 1.96 લાખ સહિત કુલ 17.30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે આ વર્ષ મોટી સંખ્યામાં એક્સટર્નલ વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. જેમા ધોરણ 10ના 12,707 અને ધોરણ 12ના 62548 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એટલે કે ધોરણ 10-12ના કુલ 75,255 એક્સટર્નલ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.
શિક્ષણ બોર્ડે પરીક્ષાઓ ને લઈ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ધો.12 સાયન્સના જૂના કોર્સના 23 હજાર વિદ્યાર્થી પણ બોર્ડની પરીક્ષા આપશે. ધો.10 માટે રાજ્યભરમાં 81 ઝોન તૈયાર કરાય છે જ્યારે ધોરણ 12 માટે 56 ઝોન છે. ધો.10ની પરીક્ષા માટે 934 કેન્દ્ર અને ધો.12ની પરીક્ષા માટે 653 કેન્દ્ર છે. ધો.12ના 653 કેન્દ્રમાંથી સામાન્ય પ્રવાહના 514 કેન્દ્ર છે જ્યારે સાયન્સના 139 કેન્દ્ર રહેશે. રાજ્યભરમાંથી કુલ 17.76 લાખ વિદ્યાર્થીઓ એકસાથે પરીક્ષા આપશે. જેમા ધો.10માં 10.83 લાખ વિદ્યાર્થી, ધો.12 સામાન્ય પ્રવાહમાં 5.27 લાખ અને સાયન્સમાં 1.43 લાખ વિદ્યાર્થી ઉપસ્થિત રહેશે.
80 ગુણનું પેપર અને 3 કલાકનો સમય
ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 80 ગુણના પેપર માટે વિદ્યાર્થીઓને ત્રણ કલાકનો સમય આપવામાં આવશે.વિદ્યાર્થીને સવારે 10.00 વાગ્યાથી 10.15 સુધી પેપર વાંચવા માટે સમય મળશે ત્યારબાદ 10.15થી 1.15 સુધી ઉત્તરો લખવા માટે સમય આપવામાં આવશે. જોકે ધોરણ12ના વિદ્યાર્થીને 15 મિનિટનો સમય વધુ આપવામાં આવશે.પરીક્ષા પૂર્ણ થયા બાદ જિલ્લામાં સમવિષ્ટ તમામ બિલ્ડિંગના બ્લોકની DVDની ચકાસણી જિલ્લા કક્ષાએ નક્કી કરેલી કમિટીએ જોવાની રહેશે.
પરીક્ષાના એક દિવસ પહેલા એટલે ચોથી માર્ચ ના રોજ વિદ્યાર્થી તેમજ વાલીઓ બેઠક વ્યવસ્થા જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વાલીઓ તથા વિદ્યાર્થી પોતાના પરીક્ષા કેન્દ્રમાં જઈ બ્લોકની વ્યવસ્થા બપોરના 12 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી જોઈ શકશે. આ સમય દરમિયાન શાળા ખુલ્લી રાખવા માટે DEO દ્વારા સૂચના આપવામાં આવી છે.
પ્રાથમિકના 450 શિક્ષકો પણ પરીક્ષામાં ફરજ બજાવશે
પરીક્ષા સમયે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની સાથે પ્રાઇમરી વિભાગના શિક્ષકોને પણ પરીક્ષાની કામગીરી ફાળો આપવો પડશે. જેથી અમદાવાદમાં 450 પ્રાઇમરી વિભાગના શિક્ષકોને કામગીરી સોંપવામાં આવશે. પરીક્ષાની કામગીરીને લઈને પ્રાઇમરી વિભાગના શિક્ષકોને ખાસ તાલીમ પણ આપી દેવાઈ છે જેઓ પાંચમી માર્ચ થી કરજ માં જોડાઈ જશે.
બીજી તરફ વિદ્યાર્થીઓ માં પણ બોર્ડની પરીક્ષાઓ નો હાઉ ઉભો ન થાય તે માટે ખાસ કાઉન્સિલ કરવાના અનેક જગ્યા એ સમૂહ માં સેમિનાર પણ થયા હતા અને આ એક શાળા કક્ષાએ યોજાતી શાળાકીય પરીક્ષા હોવા ઉપર ખાસ ભાર મુકાયો હતો.
