છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પહેલું માં દંતેશ્વરી કાળી મંદિર અને બીજું ઢોલકલ ગણપતિનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. દંતેવાડાથી લગભગ 13 કિમી દૂર ઢોલકલની પહાડીઓ ઉપર લગભગ 3000 ફૂટ ઊંચાઇએ સેંકડો વર્ષ જૂની આ ભવ્ય ગણેશ પ્રતિમા આજે પણ લોકો માટે આશ્ચર્યનો વિષય છે. ગણેશજીની આ મૂર્તિ દુનિયામાં ભગવાન ગણપતિની સૌથી દુર્લભ પ્રતિમાઓમાંથી એક છે. તેમને દંતેવાડાના રક્ષક પણ કહેવામાં આવે છે. આ પ્રતિમા લગભગ એક હજાર વર્ષ જૂની છે, જે નાગવંશી રાજાઓના કાળમાં બનાવવામાં આવી હતી. સદીઓ પહેલાં આ દુર્ગમ વિસ્તારમાં આટલી ઊંચાઈએ સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની પ્રતિમા આશ્ચર્યનું કેન્દ્ર છે. અહીં પહોંચવું આજે પણ ખૂબ જ જોખમભર્યું કામ છે. પુરાતત્વવિદો પ્રમાણે, 10મી કે 11મી સદીમાં દંતેવાડા ક્ષેત્રના રક્ષક તરીકે નાગવંશીઓએ ગણેશજીની આ મૂર્તિ અહીં સ્થાપિત કરી હતી. પહાડી ઉપર સ્થાપિત ગણેશ પ્રતિમા લગભગ 3-4 ફૂટ ઊંચી ગ્રેનાઇટ પત્થરથી બનેલી છે. આ પ્રતિમા વાસ્તુકળાની દ્રષ્ટિએ ખૂબ જ કલાત્મક છે. ગણપતિ આ પ્રતિમાના ઉપરના જમણા હાથમાં ફરસો, ડાબા હાથમાં તૂટેલો એક દાંત, નીચે જમણાં હાથમાં અભય મુદ્રામાં અક્ષમાલા તથા ડાબા હાથમાં મોદક લઇને વિરાજમાન છે. પુરાતત્વવિદો પ્રમાણે આ પ્રકારની પ્રતિમા બસ્તર ક્ષેત્રમાં ક્યાંય જોવા મળતી નથી. દંતેશનું ક્ષેત્ર (વાડા)ને દંતેવાડા કહેવામાં આવે છે. આ ક્ષેત્રમાં એક કૈલાશ ગુફા પણ છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલી એક માન્યતા છે કે, આ તે જ કૈલાશ ક્ષેત્ર છે, જ્યાં શ્રીગણેશ તથા પરશુરામ વચ્ચે યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં ગણપતિનો એક દાંત તૂટીને અહીં પડ્યો હતો. ત્યારે જ, ગણપતિનું એકદંત નામ પડ્યું હતું. અહીં દંતેવાડાથી ઢોલકલ પહોંચતી વખતે માર્ગમાં એક ગામ પરસપાલ છે, જે પરશુરામના નામથી ઓળખવામાં આવે છે. તેના પછી કોતવાલ ગામ આવે છે. કોતવાલનો અર્થ રક્ષક થાય છે.